News of Wednesday, 6th May 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ૩ દિવસીય બેઠકનો પ્રારંભ : ૩૯૩ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ માટે મથામણ
૧૫ મહાનગરપાલિકા અને ૩૪ જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા-તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો સોંપવા માટે નામોની પેનલ પર વિચારણા : અનુભવીઓ સાથે યુવા ચહેરાઓને સ્થાન આપવા નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ રણનીતિ

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું માળખું ગોઠવવા માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને આજથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની અત્યંત મહત્વપૂર્ણ ત્રણ દિવસીય બેઠકનો પ્રારંભ થયો છે. ૬ મેથી ૮ મે સુધી ચાલનારી આ બેઠકમાં રાજ્યની ૧૫ મહાનગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત, ૮૪ નગરપાલિકા અને ૨૬૦ તાલુકા પંચાયતોના પદાધિકારીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારે ૧૦:૩૦ વાગ્યાથી શરૂ થયેલી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની હાજરીમાં નામોના મંથનનો દોર શરૂ થયો છે.
સ્થાનિક સ્વરાજની ૩૯૩ સંસ્થાઓમાં નવા પદાધિકારીઓ નિમાશે:
પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં ગુજરાતની કુલ ૩૯૩ સ્થાનિક સંસ્થાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પંચાયત પ્રમુખો જેવા મહત્વના હોદ્દાઓ માટે નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં કયા ચહેરાઓને ટોચના હોદ્દા સોંપવા તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દરેક જિલ્લા અને શહેરના નિરીક્ષકો દ્વારા લાવવામાં આવેલી નામોની યાદી પર આ ત્રણ દિવસ દરમિયાન વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
યુવા પેઢી અને અનુભવી નેતાઓનું સંતુલન:
પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે સંગઠનને વધુ ગતિશીલ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અનુભવી નેતાઓની સાથે યુવા અને નવી પેઢીને પણ મોટા પ્રમાણમાં તક આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. પદાધિકારીઓની પસંદગીમાં સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાયાના કાર્યકર્તાઓનો ઉત્સાહ જળવાઈ રહે અને પક્ષમાં આંતરિક સમાધાન જળવાય તે રીતે નામોની પસંદગી કરવાની સૂચના આપવામાં આવી છે.
આગામી રાજકીય સમીકરણો પર નજર:
આ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણયો આગામી સમયમાં ગુજરાતના સ્થાનિક રાજકારણની દિશા નક્કી કરશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના અગ્રણીઓ દ્વારા દરેક બેઠકની ભૌગોલિક અને રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આખરી મહોર મારવામાં આવશે. મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખોની નિમણૂક આગામી મોટી ચૂંટણીઓ પૂર્વેના રાજકીય સમીકરણો પર સીધી અસર પાડશે, જેના કારણે આ આખી પ્રક્રિયા પર રાજકીય વિશ્લેષકો અને કાર્યકરોની નજર ટકેલી છે. ત્રણ દિવસના અંતે તૈયાર થયેલી યાદી મુજબ આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાતો કરવામાં આવશે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
