<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

રાજ્યના આકાશમાં એકસાથે 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય :અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા અને થરાદમાં ભારે વરસાદ વરસી શકે:પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં તંત્ર એલર્ટ :કચ્છ સહિત રાજકોટ, સુરેન્દ્રનગર અને જુનાગઢ જિલ્લામાં છૂટાછવાયાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડશે

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર, રાજ્યના આકાશમાં એકસાથે 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે અને સાર્વત્રિક વરસાદ નોંધાશે.રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ  સક્રિય થવાની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન   અને ટ્રફ લાઇન પણ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોમાસું વધુ વેગીલું બનશે.

આ ત્રિપાંખીયા હવામાન ફેરફારના લીધે રાજ્યભરમાં આગામી 2 અને 3 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની વ્યાપક અસરને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

 હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગો માટે અલગ-અલગ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને થરાદમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ પ્રશાસનને સાબદું રહેવા જણાવાયું છે.કચ્છ સહિત રાજકોટ, સુરેન્દ્રનગર અને જુનાગઢ જિલ્લામાં છૂટાછવાયાથી લઈને ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાક રાજ્યના હવામાન માટે અત્યંત મહત્વના સાબિત થશે.

(6:50 PM IST)