News of Saturday, 4th July 2026
સુરતમાં ₹30 કરોડના ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડનો પર્દાફાશ: Investok App દ્વારા હજારો લોકોને ઠગનાર મુખ્ય આરોપીને મુંબઈ EOW એ સુરતથી દબોચ્યો, પોલીસે મોટી સફળતા મેળવી
"ઓછા સમયમાં ડબલ રિટર્ન" ના નામે ચલાવાતી હતી ઠગાઈની રમત, ટેકનિકલ સર્વેલન્સથી પકડાયો કિંગપિન, હજુ ઘણા સાથીદારો પોલીસના રડાર પર, રોકાણકારોને પોલીસની સાવધાનીની સલાહ

સુરત : સુરત શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટના નામે ચાલતા ₹30 કરોડના વિશાળ કૌભાંડનો મુંબઈ EOW - Economic Offences Wing એ પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાતા કિંગપિનની સુરતમાંથી ધરપકડ કરવામાં આવતા પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે.
પોલીસ તપાસ મુજબ આરોપીએ *"Investok"* નામની એક ફેક મોબાઈલ એપ્લિકેશન બનાવી હતી. આ એપ દ્વારા સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી લોકોને સંપર્ક કરવામાં આવતો હતો. રોકાણકારોને "ઓછા સમયમાં વધુ વળતર" અને "ગેરંટેડ પ્રોફિટ" જેવા વાયદા આપીને એપમાં પૈસા જમા કરાવવામાં આવતા હતા.
શરૂઆતમાં વિશ્વાસ જમાવવા માટે નાના-નાના રોકાણ પર થોડું વળતર પણ આપવામાં આવ્યું. જેના કારણે લોકો લાલચમાં આવીને લાખો રૂપિયાનું રોકાણ કરવા લાગ્યા. જ્યારે મોટી રકમ એકઠી થઈ ગઈ ત્યારે એકાએક એપ બંધ કરી દેવામાં આવી અને આરોપીઓ ફરાર થઈ ગયા. આ રીતે ગુજરાત સહિત અનેક રાજ્યોના હજારો રોકાણકારો સાથે મળીને કુલ ₹30 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ EOW ને આ મામલે અનેક ફરિયાદો મળી હતી. જે બાદ ટેકનિકલ સર્વેલન્સ, બેંક એકાઉન્ટ અને UPI ટ્રાન્ઝેક્શનના આધારે આખા નેટવર્કને ટ્રેસ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુરતમાં સંતાઈને બેઠો છે. જેના આધારે મુંબઈ EOW ની ટીમે સુરતમાં દરોડો પાડીને આરોપીની ધરપકડ કરી છે.
હાલ પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. આ સાથે જ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય સાથીદારો અને નાણાના વ્યવહારોને ટ્રેક કરવાની કામગીરી પણ ચાલુ છે
આ કેસ બાદ પોલીસે નાગરિકોને સાવધાન રહેવા અપીલ કરી છે. કોઈપણ પ્રકારની ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ એપમાં રોકાણ કરતા પહેલા તે RBI અથવા SEBI દ્વારા રજિસ્ટર્ડ છે કે કેમ તેની ચકાસણી જરૂર કરો. "ઝડપી અને વધુ વળતર" ના લાલચમાં ન આવો. જો તમને કોઈ શંકાસ્પદ એપ કે વ્યક્તિ વિશે માહિતી મળે તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
