તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 4th July 2026
મહિને ૫% નફાની લાલચે ૩૦ કરોડનો ચુનો: સુરતથી ઝડપાયો ‘ઈન્વેસ્ટોક’ એપનો માસ્ટરમાઈન્ડ, ૪૨ રોકાણકારો સાથે કરી હતી છેતરપિંડી
પોન્ઝી સ્કીમનો પર્દાફાશ: શૅરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરનાર આરોપી ફરાર થયા બાદ સુરતના ડુમસમાંથી પોલીસના હાથે ઝડપાયો

સુરત : શૅરબજારમાં રોકાણ કરવાના નામે સામાન્ય નાગરિકોની મહેનતની કમાણી હડપ કરી જનારા એક મોટા ઠગની મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા સુરતથી ધરપકડ કરવામાં આવી છે. 'ઈન્વેસ્ટોક' (Investock) નામની એપ બનાવીને રોકાણકારોને આકર્ષક વળતરની લાલચ આપી ૩૦.૨૬ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર રોહન ભૂષણ સેઠ (૫૬) ને સુરતના ડુમસ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે.
શું હતી ઠગાઈની પદ્ધતિ?
માટુંગામાં રહેતા આરોપી રોહન સેઠે ‘ઈન્વેસ્ટોક’ નામની એક મોબાઈલ એપ બનાવી હતી. તેણે રોકાણકારોને એવું આશ્વાસન આપ્યું હતું કે જો તેઓ આ એપ દ્વારા શૅરબજારમાં રોકાણ કરશે, તો તેમને દર મહિને ૨ થી ૫ ટકા સુધીનું જંગી વળતર મળશે. આ લાલચમાં આવીને કુલ ૪૨ રોકાણકારોએ પોતાની જમાપૂંજી આરોપીની સ્કીમમાં રોકાણ કરી હતી. જોકે, નિર્ધારિત સમય પૂરો થયા બાદ જ્યારે રોકાણકારોએ પોતાનું વળતર અને મુદ્દલની માંગણી કરી, ત્યારે આરોપીએ હાથ ઊંચા કરી દીધા હતા.
તપાસ અને ધરપકડનો દોર
આ અંગે ૨૪ એપ્રિલના રોજ એફઆઈઆર નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસથી બચવા માટે તે પોતાની ઓળખ વારંવાર બદલતો હતો અને અલગ-અલગ શહેરોમાં રહેઠાણ બદલીને આશરો લેતો હતો. આર્થિક ગુના શાખાની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ખબરીઓ દ્વારા આરોપીના સુરતમાં છુપાયા હોવાના સગડ મેળવ્યા હતા. ત્યારબાદ સિનિયર ઈન્સ્પેક્ટર ગણેશ પવારના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટીમ સુરત પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને દબોચી લીધો હતો.
૧.૬૫ કરોડની મતા જપ્ત
પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ૧.૬૫ કરોડ રૂપિયાની મતા પણ જપ્ત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ એક આયોજિત પોન્ઝી સ્કીમ હતી, જેનો મુખ્ય હેતુ લોકોના નાણાં પડાવી લેવાનો જ હતો. મુંબઈ પોલીસ હવે આરોપીને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ આ છેતરપિંડીના નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેની તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અતિશય નફાની લાલચમાં આવીને રોકાણ કરતા પહેલા કંપની કે સ્કીમની વિશ્વસનીયતા તપાસવી અત્યંત આવશ્યક છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
