<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

૩૫ ટકા વૃદ્ધો પોતાના પુત્રો દ્વારા પીડિતઃ બીજા ક્રમાંકે પુત્રવધુઓ

૮૨ ટકા વૃદ્ધો પોતાના પરિવાર સાથે રહે છે જેમાંથી : બદલાતી જીવનશૈલી, આર્થિક દબાણો અને પરિવારીક સંબંધોમાં આવી રહેલા પરિવર્તનો વચ્ચે હવે એક ચિંતાજનક હકીકત : ગુજરાતમાં પણ સંયુકત પરિવારોનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે

અમદાવાદ, સોમવાર ભારતીય સમાજમાં પરિવારને હંમેશા સૌથી મજબૂત સંસ્થા માનવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં સંતાનો અને પરિવારજનો જ વ્યકિતનો સૌથી મોટો આધાર ગણાય છે. 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ' જેવી સંસ્કૃતિ ધરાવતા દેશમાં વડીલોને માન-સન્માન આપવાની પરેપરા લાંબા સમયથી રહી છે. પરંતુ બદલાતી જીવનશૈલી, આર્થિક દબાણો અને પરિવારીક સંબંધોમાં આવી રહેલા પરિવર્તનો વચ્ચે હવે એક ચિતાજનક હકીકત સામે આવી રહી છે. હેલ્પએજ ઇન્ડિયાના તાજેતરના રાષ્ટ્રીય સર્વે મુજબ દેશના ૮૨ ટકા જેટલા વૃદ્ધા પોતાના પરિવાર સાથે રહે છે. સામાન્ય આ સકારાત્મક લાગે, પરંતુ આ જ સર્વે દર્શાવે છે કે વૃદ્ધો સામેના અત્યાચાર અને અવગણનાના મોટા ભાગના બનાવો પરિવારની અંદર જ બને છે. અત્યાચારનો ભોગ બનેલા વૃદ્ધોમાંથી ૩૫ ટકા લોકોએ પોતાના પુત્રને મુખ્ય જવાબદાર ગણાવ્યો છે, જ્યારે બીજા ક્રમે પુત્રવધૂનું નામ સામે આવ્યું છે. આ અત્યાચાર માત્ર શારીરિક હિસા પૂરતો મર્યાદિત નથી. અનેક વૃદ્ધો માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન, સતત અવગણના અને આ થક શોષણનો સામનો કરી રહ્યા છે. નિવૃત્તિ પછી પોતાની આવક ઘટી જતાં અથવા બંધ થઈ જતાં ઘણા વડીલો સંપૂર્ણપણે સંતાનો પર નિર્ભર બની જાય છે. આવી સ્થિતિમાં તેમની જરૃરિયાતો અને ઇચ્છાઓને ઘણીવાર ગૌણ ગણવામાં આવે છે. ગુજરાતમાં પણ સંયુકત પરિવારોનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. શહેરોમાં વધતી ફલેટ સંસ્કૃતિ, નોકરી માટે સ્થળાંતર અને વ્યસ્ત જીવનશૈલીના કારણે પેઢીઓ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં વૃદ્ધ માતા-પિતા પરિવાર સાથે રહેતા હોવા છતાં એકલતા અનુભવતા હોય છે. તેમની સાથે વાતચીત માટે સમય ન હોવો પણ એક પ્રકારની અવગણના તરીકે જોવામાં આવે છે. વિશેષજ્ઞો માને છે કે સમસ્યા માત્ર સામાજિક નહીં પરંતુ જાહેર આરોગ્ય અને મુદ્દો છે. વૃદ્ધોને આર્થિક સુરક્ષા, આરોગ્ય સુવિધાઓ અને કાનૂની રક્ષણ આપવાની સાથે પરિવારમાં સંવેદનશીલતા વધારવાની જરૃર છે. શાળાઓથી લઈને સમાજના વિવિધ સ્તરે વડીલો પ્રત્યે આદર અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવે તો જ સ્થિતિમાં સુધારો શકય બનશે. સોશ્યલ મીડિયા અને આધુનિક વ્યસ્ત જીવનશૈલી વચ્ચે વૃદ્ધો સામે આવી રહેલા પડકારો વધુ ગંભીર બનવા જઈ રહ્યા છે.

(10:22 AM IST)