<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

૪ રાજ્યોમાં ૩૬ ગ્રામસભા: આદિવાસી પ્રજાને દેવપ્રજા બનાવવાનો સંકલ્પ

આદિવાસી સંસ્કૃતિ દર્શન યાત્રાનું આયોજન: વ્યસન, બલીપ્રથામાંથી મુક્તિનો સંદેશ: મનસુખ સુવાગીયા

રાજકોટ: જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગીયાની આગેવાનીમાં ચાર રાજ્યોમાં યોજાયેલી આદિવાસી સંસ્કૃતિ દર્શન યાત્રા અંતર્ગત ૩૬ ગ્રામસભાઓ યોજાઈ હતી, જેમાં આદિવાસી પ્રજાને વ્યસનમુક્ત, ધર્માંતરણમુક્ત અને પ્રકૃતિરક્ષક બની 'દેવપ્રજા' બનવાનો ઐતિહાસિક સંકલ્પ લેવડાવવામાં આવ્યો હોવાનું સંસ્થાના ટ્રસ્ટી મધુસુદન રાઠવાએ (મો. ૯૯૧૩૯ ૯૪૫૧૮) જણાવ્યું છે.

 

ભારતના એક લાખ જેટલા આદિવાસી ગામોમાં ગરીબી, બેરોજગારી, કુપોષણ, પીવાના પાણીની અછત, ધર્માંતરણ, વ્યાજખોરી અને વ્યસન જેવી ગંભીર સમસ્યાઓ રહેલી છે. આ સમસ્યાઓના નિવારણ અને માનવચેતના જગાડવા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોમાં ૪૫ ડિગ્રી તાપમાનમાં 'આદિવાસી સંસ્કૃતિ દર્શન યાત્રા' યોજવામાં આવી હતી. મનસુખભાઈ સુવાગીયાના નેતૃત્વમાં ૩૬ ગ્રામસભાઓ યોજીને આદિવાસીઓને દેવપ્રજા બનાવવાનો લક્ષ્યાંક રખાયો છે.

 

અગાઉ આ સંસ્થાના આર્થિક સહયોગ અને શ્રમદાનથી છોટા ઉદેપુરના કવાંટ તાલુકાના ભેખડિયા અને મધ્યપ્રદેશના આલિરાજપુરના જામલી ગામમાં ૧૦૦ ચેકડેમ અને તળાવો બન્યા હતા. મનસુખભાઈ સુવાગીયાએ ઝુંપડીમાં રહી સતત ત્રણ વર્ષ શ્રમદાન કર્યું હતું, જેનાથી પ્રેરાઈને આદિવાસીઓએ જાતે ૫૫ ચેકડેમ અને ૫૦ માટીના તળાવો બનાવ્યા હતા. પરિણામે કૃષિ આવકમાં ૧૦ ગણો વધારો થયો, ૫૦૦૦ દેશી આંબા વવાયા અને ૧૦૦ કાંકરેજ ગાયો અપાઈ. આ બંને ગામો ઘોંઘાટ કરતા વાદ્યો, ફટાકડા, માંસાહાર અને વ્યસનથી મુક્ત બની ભારતનાં પ્રથમ દિવ્યગ્રામ બન્યા હોવાનો પણ સંસ્થાએ દાવો કર્યો છે.

 

આ યાત્રામાં દાહોદ, પંચમહાલ, નર્મદા, ડુંગરપુર, બાંસવાડા, જાબુઆ, આલિરાજપુર, ધાર, બડવાની, નંદુરબાર અને નાસિક જિલ્લાઓને આવરી લેવાયા હતા.

 

આદિવાસીઓને તમાકુ, દારૂ, બલીપ્રથા, શિકાર અને ધર્માંતરણથી મુક્ત થઈ બજારુ પેસ્ટના બદલે દાતણ તથા વૈદિક આહાર અપનાવવા સંકલ્પબદ્ધ કરાયા હતા. આ કાર્યક્રમમાં દેવપ્રજા નિર્માણના ૫૦૦૦ સંકલ્પ પત્રો, ગૌવેદ અને જળક્રાંતિ ગ્રંથોનું વિતરણ કરાયું હતું. 

 

ઇતિહાસમાં પ્રથમ વખત ૨૦૦ ગામના આદિવાસી ભાઈ-બહેનોનું ગાયનું ઘી અને ભારતમાતાની છબીથી વિશેષ સન્માન કરાયું હતું.

 

આગામી સમયમાં દાતાઓના સહયોગથી આ ચાર રાજ્યોમાં ૧૦૮ તળાવો, ૧૦૦૦ ગાય-નંદીનું દાન અને એક લાખ દેશી ફળઝાડનું વાવેતર કરાશે. 

 

આ અભિયાનમાં મનસુખભાઈ સુવાગીયા ઉપરાંત ભેખડિયાના મધુસુદન રાઠવા, જામલીના વગેચંદ પટેલ, મોરબીના વેદ પ્રચારક મહેશભાઈ ભોરણિયા, ટ્રસ્ટી ગોપાલભાઈ કોટડિયા, ઈશ્વરભાઈ રાઠવા, જેડી રાઠવા અને ૧૦ આદિવાસી યુવાનોએ પ્રશંસનીય સેવા આપી હોવાનું પણ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે

(11:33 AM IST)