<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ગુજરાતમાં દિવાળીએ આગની 366 ઘટનાઓ:સુરત પ્રથમ ક્રમે

અમદાવાદ શહેરમાં 56, રાજકોટમાં 44 અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં 37 આગના બનાવો: 112 હેલ્પલાઇન પર 5,651 કટોકટીના ફોન, ઝઘડા અને મારામારીની ફરિયાદોમાં મોટો વધારો

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ મોટો વધારો નોંધાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
અહેવાલમાં 112 અને 108 ની સત્તાવાર કટોકટી સેવા સંબંધિત આંકડાઓને ટાંકીને જણાવાયું છે કે રાજ્યમાં દિવાળીના દિવસે આગની કુલ 366 ઘટનાઓ નોંધાઈ હતી.
જેમાં સૌથી વધુ 82 ઘટના ઓ સુરત શહેરમાં નોંધાઈ હતી. ત્યાર બાદ અમદાવાદ શહેરમાં 56, રાજકોટમાં 44 અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં 37 આગના બનાવો નોંધાયા હતા. જ્યારે વડોદરા શહેરમાં 22, જામનગરમાં 14, ગાંધીનગરમાં 12, કચ્છ પૂર્વમાં 12 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 11 આગની ઘટનાઓ નોંધાઈ હતી.
આ આંકડા દર્શાવે છે કે દિવાળીના તહેવાર દરમિયાન આગની ઘટનાઓમાં સુરત અને અમદાવાદ સૌથી આગળ રહ્યાં હતાં. ફટાકડાની ચિંગારી, શોર્ટ સર્કિટ અને બેદરકારી જેવી બાબતો આગ લાગવાનું જોખમ વધારી શકે છે.
દિવાળીના દિવસે 112 હેલ્પલાઇન પર 5,651 કટોકટીના ફોન, ઝઘડા અને મારામારીની ફરિયાદોમાં મોટો વધારો
દિવાળી ના તહેવાર દરમિયાન ગુજરાત પોલીસ ની 112 જન રક્ષક હેલ્પલાઇન પર સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સામાન્ય દિવસોમાં હેલ્પલાઇન પર સરેરાશ 3,610 કટોકટીના ફોન આવતા હતા, તેની સામે દિવાળીના દિવસે આ આંકડો વધીને 5,651 પર પહોંચ્યો હતો. જાહેરમાં ઝઘડાની ફરિયાદો સામાન્ય દિવસના 967થી વધીને 1,651 થઈ હતી, જ્યારે મારામારીના બનાવો 617થી વધીને 1,104 નોંધાયા હતા. આ ઉપરાંત અવાજ અંગેની ફરિયાદો 119થી વધીને 363 અને ઘરેલુ હિંસાની ફરિયાદો 57થી વધીને 101 થઈ હતી. ખાસ કરીને જાહેરમાં ઝઘડાની ફરિયાદોમાં 62.67 ટકા અને મારામારીના બનાવોમાં 78.93 ટકાનો વધારો નોંધાયો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે દિવાળીના ઉત્સવ દરમિયાન રાજ્યમાં જાહેર સ્થળોએ ઝઘડા, મારામારી, ઘોંઘાટ અને ઘરેલુ હિંસાની ઘટનાઓમાં માં ખાસ્સો વધારો થયો જોવા મળેલ હતો

(10:38 AM IST)