હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અડાજણમાં વેપારીના ઘરમાંથી ₹48 લાખની રોકડ ચોરી: માસ્કધારી તસ્કર CCTVમાં કેદ
અડાજણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી

સુરતના અડાજણ વિસ્તારમાં એક વેપારીના ઘરમાંથી આશરે ₹48 લાખની રોકડ ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં માસ્કધારી અજાણ્યો તસ્કર ઘરમાં ઘુસી મોટી રકમ ભરેલી બેગ ચોરી ફરાર થઈ ગયો હતો. અડાજણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, અડાજણના પરશુરામ ગાર્ડન વિસ્તારમાં આવેલ સેતુ વિલા ખાતે રહેતા વેપારી કૌશલ હિમ્મતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 18 મે 2026ની રાત્રે આશરે 1 વાગ્યાથી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરીની આ ઘટના બની હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે, અજાણ્યો શખ્સ પેન્ટ-ટીશર્ટ પહેરી અને ચહેરા પર કાળા રંગનું માસ્ક બાંધી ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ તેણે માતા-પિતાના બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી રોકડ રકમ ભરેલી બેગ ચોરી લીધી હતી. ચોરી થયેલી રકમ અંદાજે ₹48 લાખ હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ઘર તથા આસપાસના સીસીટીવી ફૂટેજ કબ્જે લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તસ્કર ઘરમાં પ્રવેશ અને બહાર નીકળતો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ) અને 331(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડાને સોંપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઝોન-5ના નાયબ પોલીસ કમિશ્નર અને કે ડિવિઝનના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લીધી હતી.
હાલ પોલીસ વિવિધ એંગલથી તપાસ ચલાવી રહી છે અને અજાણ્યા તસ્કરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
