<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

સુરતના માંડવી જંગલમાં 50 ચિત્તલ છોડાયા, દીપડા માટે કુદરતી ખોરાક વધારવાની પહેલ

માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા ગુજરાત વન વિભાગની વિજ્ઞાન આધારિત પહેલ; સાસણ ગીરમાંથી ત્રણ તબક્કામાં કરાયું સ્થળાંતર

માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા અને દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં કુદરતી શિકાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત વન વિભાગે સુરત જિલ્લાના માંડવી જંગલમાં સાસણ ગીરમાંથી લાવવામાં આવેલા 50 ચિત્તલ છોડ્યા છે. મે અને જૂન દરમિયાન ત્રણ તબક્કામાં આ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વન વિભાગના જણાવ્યા મુજબ 23 મેના રોજ 21, 18 જૂને 16 અને 24 જૂને 13 ચિત્તલને માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ જંગલમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારી દીપડા જેવા શિકારી પ્રાણીઓને કુદરતી ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ માનવ વસાહતો તરફ ઓછા આવે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ-1972 હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી પર્યાવરણીય સંતુલન જાળવવાના રાજ્યના લાંબા ગાળાના પ્રયાસોનો ભાગ છે.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે જંગલમાં જ શિકારી પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે તો તેઓ માનવ વસાહતો તરફ આવવાની શક્યતા ઘટે છે અને માનવ-વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો થાય છે.

વન વિભાગે ચિત્તલના રહેઠાણ માટે પૂર્વ સર્વેક્ષણ કર્યું હતું તેમજ જંગલમાં 10 કાયમી પાણીના સ્ત્રોત વિકસાવ્યા છે. ઉપરાંત ચિત્તલની હિલચાલ અને સ્વાસ્થ્ય પર નજર રાખવા કેમેરા ટ્રેપ, પ્રશિક્ષિત ટ્રેકર્સ અને ફોરેસ્ટ ગાર્ડ્સ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત વન વિભાગે વન્યજીવ સંબંધી કટોકટીમાં તાત્કાલિક કાર્યવાહી માટે આધુનિક સાધનોથી સજ્જ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પણ કાર્યરત કરી છે.

(4:29 PM IST)