તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 21st October 2026
દશેરાના દિવસે ગુજરાતમાં ૫૦૦૦૦ ટુ-વ્હીલરઃ ૧૧૦૦૦ કાર વેચાઇ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દશેરા પર ઓટોમોબાઈલ માર્કેટમાં રોનક જોવા મળી : ગત વિજયાદશમીની તુલનામાં આ વર્ષે ટુ-વ્હીલરના વેચાણમાં ૧૦% અને ફોર-વ્હીલરમાં ૫% થી ૭% સુધીનો નોંધપાત્ર વધારો નોંધાયો

અમદાવાદ તા.૨૧: વિજયા દશમીના પાવન પર્વે સમગ્ર ગુજરાતમાં વાહનોના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન (FADA)ના ગુજરાતના પૂર્વ ચેરમેન પ્રણવ શાહના જણાવ્યા અનુસાર, આ દશેરાએ રાજ્યભરમાં અંદાજે ૫૦,૦૦૦ ટુ-વ્હીલર અને ૧૧,૦૦૦ કારનું વેચાણ થયું છે. માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં ૬,૦૦૦ થી ૬,૫૦૦ ટુ-વ્હીલર અને લગભગ ૨,૫૦૦ કાર વેચાઈ છે. ગત વિજયા દશમીની તુલનામાં આ વર્ષે ટુ-વ્હીલરના વેચાણમાં ૧૦% અને ફોર-વ્હીલરમાં ૫% થી ૭% સુધીનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
દશેરાના દિવસે વાહન મેળવવા માટે લોકોએ મહિનાઓ અગાઉથી જ બુકિગ કરાવી દીધું હતું. વાહનની ડિલિવરી ચોક્કસ સમય અને શુભ મુહૂર્તમાં જ મળે તેવો આગ્રહ ગ્રાહકો દ્વારા રાખવામાં આવ્યો હતો. આ દિવસે વાહન ખરીદીને ઘરે લઈ જતા લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
બીજી તરફ, શોરૂમના માલિકો અને કર્મચારીઓ પણ આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. સાધારણ દિવસોની સરખામણીએ દશેરા પર વેચાણમાં મસમોટો ઉછાળો આવતો હોવાથી ઓટોમોબાઈલ ડીલરો માટે આ દિવસ વેપારની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો સાબિત થાય છે.
હિન્દુ સંસ્કૃતિમાં વિજયા દશમીને સ્વયંસિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે. ભારતીય પંચાંગ મુજબ આ દિવસે કોઈપણ નવી શરૂઆત, ઘર, સોના-ચાંદી કે વાહનની ખરીદી માટે અલગથી ચોઘડિયા જોવાની જરૂર રહેતી નથી. આખો દિવસ જ સર્વોત્તમ માનવામાં આવે છે.
આ દિવસે ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવ્યો હતો. માન્યતા છે કે આ પાવન દિવસે નવું વાહન ખરીદવાથી જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને વિજય પ્રાપ્ત થાય છે.
શષા અને રથ પૂજનની પરંપરાઃ પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ દશેરાના દિવસે પોતાના શષો, ઘોડા અને રથની પૂજા કરતા હતા. આજના આધુનિક યુગમાં રથનું સ્થાન કાર અને મોટરસાઇકલે લીધું છે. માટે આ દિવસે વાહનની ખરીદીને શુભ માનવામાં આવે છે.
અનિષ્ટ પર સદાચારના વિજયના આ તહેવારે નવું વાહન ઘરમાં લાવવું એ સમૃદ્ધિ અને નવી ઊર્જાનું પ્રતીક છે. ગ્રાહકો શોરૂમ પર જ હળદર, કુમકુમ, ફૂલ અને નારિયેળથી વાહનની પૂજનવિધિ કરીને તેને ઘરે લઈ જાય છે, જેથી મુસાફરી સુરક્ષિત રહે અને પરિવારમાં કલ્યાણ થાય.
ધાર્મિક આસ્થા અને આધુનિક જરૂરિયાતોના શુભ સમન્વયને કારણે આ વર્ષની વિજયા દશમી ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે ખૂબ જ ઉત્સાહજનક અને લાભદાયી નિવડી છે
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
