News of Monday, 29th June 2026
ગુજરાતના 54 તાલુકાઓ હજુ કોરાધાકોર : વરસાદનું એક ટીપુંય પડ્યું નથી:રાજ્યમાં સરેરાશ માત્ર 2.92 ટકા જેટલો નહિવત વરસાદ નોંધાયો
વાવેતર બાદ વરસાદ લાંબા સમયથી ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા

અમદાવાદ :ગુજરાતમાં જૂન મહિનો પૂર્ણ થવાના આરે છે, પરંતુ હજુ સુધી ચોમાસું જામ્યું નથી. રાજ્યમાં જૂન મહિના દરમિયાન વરસાદની મોટી અને ભયજનક ઘટ સામે આવી રહી છે. અગાઉ થયેલા પ્રિ-મોન્સૂન વરસાદ અને શરૂઆતના સંકેતોને જોઈને ઉત્સાહમાં આવી ગયેલા ખેડૂતોએ મોટા પાયે વાવેતર તો કરી દીધું છે, પરંતુ હવે વાવેતર બાદ વરસાદ લાંબા સમયથી ખેંચાતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. જો આગામી થોડા દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર વાપરીને કરેલી વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
આંકડાઓ અનુસાર, ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ માત્ર 2.92 ટકા જેટલો જ નહિવત વરસાદ નોંધાયો છે. સૌથી ખરાબ પરિસ્થિતિ કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં જોવા મળી રહી છે. કચ્છ ઝોનમાં અત્યાર સુધી માત્ર 0.24 ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં માત્ર ૧.૪૩ ટકા વરસાદ પડ્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 2.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 2.38 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં થોડો વધુ એટલે કે 5.64 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાનના આંકડા ચોંકાવનારા છે, કારણ કે ગુજરાતના 54 જેટલા તાલુકાઓ એવા છે જ્યાં હજુ સુધી ચાલુ સિઝનનું વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ ગણાતા દ્વારકા અને પોરબંદરમાં અત્યાર સુધી બિલકુલ વરસાદ નથી પડ્યો. આ ઉપરાંત કચ્છ, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પણ મોસમના પ્રથમ સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની કટોકટી ઊભી થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
આ કપરી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂન મહિનાની આ ઘટ આગામી દિવસોમાં પુરી થઈ શકે તેમ છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં સિસ્ટમ સક્રિય થતાં સારો અને સાર્વત્રિક વરસાદ પડવાની પ્રબળ આગાહી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે જુલાઈની શરૂઆતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરીને ધરતીપુત્રોના ચહેરા પર ખુશીઓ પાછી લાવે છે કે કેમ.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
