તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં 54.42 ટકા મતદાન
કુલ 1.33 લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી 2026 અંતર્ગત આજે વહેલી સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.
સમગ્ર ઉમરેઠ વિધાનસભા વિસ્તારના 46 ગામોમાં પથરાયેલા કુલ 306 મતદાન મથકો પર મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના 7 વાગ્યાથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર લાઈનોમાં ઉભેલા નજરે પડ્યા હતા.
આજે ચાલી રહેલા મતદાનના આંકડાઓ પર નજર કરીએ તો, સવારે 7:00 થી 9:00 કલાકના પ્રથમ બે કલાકમાં 10 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં 24,420 મતદારોએ ભાગ લીધો હતો. જેમાં 16282 પુરુષ મતદારો અને 8138 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.
જે બાદ સવારે 11:00 વાગ્યા સુધીમાં કુલ મતદાનની ટકાવારીનો આંકડો 25.65 ટકા એ પહોંચ્યો હતો, જેમાં 63,059 મતદારોએ પોતાનો મત આપ્યો હતો, જેમાં 37851 પુરુષ મતદારો, 25205 મહિલા મતદારો અને 03 ત્રીજી જાતિના મતદારો નોંધાયા હતા.
બપોરના 1:00 વાગ્યા સુધીમાં મતદાનનો ગ્રાફ વધીને 37.23 ટકા થયો હતો, જેમાં કુલ 91,438 મતદારો નોંધાયા હતા. જે પૈકી 51383 પુરુષ મતદારો, 40052 મહિલા મતદારો અને 03 ત્રીજી જાતિના મતદારોએ મતદાન કર્યું હતું.
જ્યારે બપોરના સમયે 3:00 વાગ્યા સુધીમાં કુલ 1,14,591 મતો સાથે 46.65 ટકા મતદાન થયું હતું. જેમાં 61708 પુરુષ મતદારો, 52880 મહિલા મતદારો અને 03 ત્રીજી જાતિના મતદારો નોંધાયા હતા.
આમ સવારના 7:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીના પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરેઠ વિધાનસભામાં કુલ 54.42 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધીમાં કુલ 1,33,630 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાંથી કુલ 62,198 મહિલા મતદારો, 71,429 પુરૂષ મતદારો અને 03 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી અને ન્યાયી રીતે સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઓડ ખાતે જિલ્લા કક્ષાનો અત્યાધુનિક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમ દ્વારા તમામ 306 મતદાન મથકો પર ચાલી રહેલી પળેપળની ગતિવિધિઓ પર ટેકનોલોજીના માધ્યમથી સીધી નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવી શકાય.
આ મતદાન પ્રક્રિયાનું ગંભીરતાપૂર્વક નિરીક્ષણ કરવા માટે જનરલ ઓબ્ઝર્વર માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી સહ કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ કંટ્રોલરૂમ ખાતે સતત ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન મથકો પરની વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની બારીકાઈથી સમીક્ષા કરી હતી અને ક્ષતિરહિત મતદાન માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
નોંધનીય છે કે સમગ્ર દિવસ દરમિયાન 46 ગામોના 306 મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી. વહીવટી તંત્રની સતર્કતા અને પોલીસ બંદોબસ્તને કારણે ક્યાંય પણ અવ્યવસ્થા સર્જાઈ ન હતી.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
