<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

દેવભૂમિ દ્વારકામાં ૬% પોરબંદરમાં ૧૮% સહિત અનેક જિલ્લામાં હજુ ૫૦% પણ વરસાદ નહિં

રાજ્‍યના ૨૦૬ જળાશયોમાંથી હજુ સુધી ફક્‍ત ૨૬ સો ટકાથી વધુ ભરાયા : ટૂંક સમયમાં મેઘમહેર નહીં થાય તો કૃષિ ક્ષેત્રમાં ભારે નુકસાનના સંજોગો

અમદાવાદ,તા.૨૦: ઓગસ્‍ટ મહિનો પૂર્ણ થવાને માંડ એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે ત્‍યારે રાજ્‍યના અનેક તાલુકા-જિલ્‍લામાં ખૂબ ઓછો વરસાદ થવા પામ્‍યો છે. તેના કારણે જિલ્‍લાના ખેડૂતોની હાલત પણ કફોડી થઈ છે. સ્‍થાનિક જળાશયોમાં પણ પાણીનો પુરવઠો ઘટી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ચોમાસામાં અત્‍યાર સુધી માત્ર ૬.૪૧ ટકા, પોરબંદરમાં ૧૮.૧૨ ટકા અને જામનગરમાં ૨૮.૮૮ ટકા જ વરસાદ થવા પામ્‍યો છે. રાજ્‍યમાં છેલ્‍લા ચાર વર્ષમાં આ સિઝનમાં હજુ સુધી વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે.

સમગ્ર રાજ્‍યમાં સિઝનનો સરેરાશ ૭૫.૨૩ ટકા વરસાદ થવા પામ્‍યો છે. જેમાં કચ્‍છ ઝોનમાં ૨૯.૨૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૬.૨૩ ટકા, પૂર્વ-મધ્‍ય ગુજરાતમાં ૭૪.૯૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૩.૩૬ ટકા વરસાદ થવા

પામ્‍યો છે. રાજ્‍યના અનેક જિલ્‍લા એવા છે જ્‍યાં અન્‍ય જિલ્‍લાની સરખામણીમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. જેમાં કચ્‍છ જિલ્‍લામાં ૨૯,૨૯ ટકા, બનાસકાંઠામાં ૫ ૧.૨૫ ટકા, રાજકોટમાં૪૭.૦૯ટકા, સાબરકાંઠા જિલ્‍લામાં ૪૬ ટકા, અરવલ્‍લીમાં ૪૬ ટકા, ગાંધીનગર જિલ્‍લામાં ૫૬ ટકા, છોટાઉદેપુર જિલ્‍લામાં ૫૦ ટકા, દાહોદમાં ૫૨ ટકા, જૂનાગઢમાં ૫૫ ટકા અને ગીર સોમનાથમાં ૪૬ ટકા વરસાદ જ થવા પામ્‍યો છે. કેટલાક અન્‍ય જિલ્‍લામાં ૬૦ ટકા જેટલો જ વરસાદ છે. અનેક જિલ્‍લા હજુ સરેરાશ કરતા ખૂબ ઓછો વરસાદ થતા વાવેતર ઉપર પણ વિપરીત અસર થવાની શરૂઆત થવા પામી છે. જો ટૂંક સમયમાં આ જિલ્‍લાઓમાં ભારે વરસાદ નહીં થાય તો અનેક સમસ્‍યાઓ સર્જાઈ શકે છે. રાજ્‍યના જળાશયોમાં પણ હજુ પૂરતુ પાણી નથી.

કુલ ૨૦૬ જળાશયોમાં સરેરાશ ૬૬,૩૩ ટકા પાણીનો જ સંગ્રહ થવા પામ્‍યો છે. તેમાં પણ જે જળાશયો ભરાયા છે, તેમાં મહત્તમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્‍લાના અને દક્ષિણ ગુજરાતના જળાશયોનો સમાવેશ થાય છે. કુલ ૨૦૬ જળાશયમાંથી ફક્‍ત ૨૬ ડેમ જ અત્‍યાર સુધી ભરાવા પામ્‍યા છે. તેના કારણે જળાશયોમાં આખુ વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્‍થો ઉમેરાય તેની ઉપર અત્‍યારથી જ આશંકાના વાદળ ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્‍યતા નથી ત્‍યારે ઓછા વરસાદથી અસરગ્રસ્‍ત તાલુકાઓમાં ખેડૂતોને ભારે નુકસાનની સંભાવના ઊભી થઈ છે.

રાજ્‍યમાં છેલ્‍લા ચાર વર્ષમાં કુલ વરસાદની સ્‍થિતિ પ્રમાણે ૨૦૨૩માં ૯૪૮ મીમી, ૨૦૨૪માં ૧૨૬૩ મીમી, ૨૦૨૫માં ૧૧૩૩ મીમી અને ૨૦૨૬માં અત્‍યાર સુધી ૬૮૩ મીમી વરસાદ થવા પામ્‍યો છે. સમગ્ર રાજ્‍યમાં બુધવારે કુલ સાત જિલ્‍લામાં સામાન્‍ય વરસાદ થવા પામ્‍યો હતો. જેમાં એકપણ તાલુકામાં એક ઇંચ વરસાદ પણ થયો નથી. તે જોતા આગામી દિવસોમાં મેઘમહેર અનિવાર્ય બની છે.

૨૦૬ જળાશયોની સ્‍થિતિ

માત્ર ૨૬ ડેમ ૧૦૦% થી વધુ ભરાયેલા

૩૪ ડેમ ૭૦% થી ૧૦૦% સુધી ભરાયેલા

૨૯ ડેમ ૫૦% થી ૭૦% ભરાયેલા

૪૫ ડેમ ૨૫% થી ૫૦% ભરાયેલા

૭૨ ડેમ ૨૫% થી ઓછા ભરાયેલા.

(1:36 PM IST)