<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અમદાવાદના વટવામાં વાહનોમાં તોડફોડ કરવાના કેસમાં મુખ્ય આરોપી રોનક સહિત 6 આરોપીઓની ધરપકડ

નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ મધરાતે વાહનોમાં નુકસાન કરી ફરાર થઈ ગયા હતા:પોલીસે તમામ 6 આરોપીઓને ઝડપી રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું

અમદાવાદના વટવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ભયાનક આતંક સામે આવ્યો છે. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ મધ્યરાત્રિએ મચાવેલા ઉત્પાતથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ફરિયાદી કિશન તોમર નામના યુવક સાથે અગાઉ થયેલી બોલાચાલી અને મગજમારીની જૂની અદાવતમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ફ્લેટમાં રહેતા કિશન સાથેનો બદલો લેવાના આશયથી આવેલા અસામાજિક તત્વોએ પાર્ક કરેલા અનેક વાહનોમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

આ સમગ્ર ઘટનાને મુખ્ય આરોપી રોનક અને તેના અન્ય પાંચ સાગરીતોએ મળીને અંજામ આપ્યો હતો. મધ્યરાત્રિએ અચાનક ગાડીમાંથી ઉતરેલા આ શખ્સોએ જાહેરમાં તોડફોડ કરી લોકોમાં ભય પેદા કર્યો હતો અને તોડફોડ કર્યા બાદ તમામ પાંચ-છ શખ્સો વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ફ્લેટના રહીશો અને સ્થાનિકોમાં ભારે રોષ અને ફાફડાટ જોવા મળ્યો હતો. બનાવ અંગે વટવા પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

ફરિયાદી કિશન તોમરની ફરિયાદના આધારે વટવા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો હતો. પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે સઘન તપાસ હાથ ધરીને મુખ્ય આરોપી રોનક સહિત તમામ 6 આરોપીઓની અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓનો કાયદાનો ભય રહે અને અસામાજિક તત્વોમાં દાખલો બેસે તે હેતુથી પોલીસે ઘટનાસ્થળે જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસની આ કડક કામગીરીથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

(11:25 PM IST)