<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

વડોદરામાં ૬૩૫ કરોડનું મહાકૌભાંડ, SD PAY અને APNA PAY એપનો મુખ્‍ય ભેજાબાજ ઝડપાયો

રોકાણકારોને લલચાવીને કરોડો રૂપિયા પડાવતી ગેંગનો મોટો પર્દાફાશ થયો : પૂછપરછમાં રૂ. ૧૫૦૦ કરોડથી વધુના ટ્રાન્‍ઝેક્‍શન અને ૨૭ બેંક એકાઉન્‍ટની વિગતો સામે આવતાં સાયબર સેલે વધુ તપાસ શરૂ કરી છે

વડોદરા તા.૭: ડિજિટલ એપના નામે લોકોના નાણાં ચાંઉ કરી જતી એક મોટી ટોળકી સામે પોલીસે સકંજો કસ્‍યો છે. SD PAY અને APNA PAY નામની એપ્‍સ બનાવીને સામાન્‍ય નાગરિકો સાથે રૂ. ૬૩૫ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસના મુખ્‍ય માસ્‍ટરમાઇન્‍ડ ધવલ પટેલ તેમજ તેની નજીકની સાગરીત નિશીને હવે વડોદરા લાવવામાં આવ્‍યા છે. વડોદરા સાયબર ક્રાઈમ અને અમરેલી પોલીસના સંયુક્‍ત ઓપરેશન બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ હવે બંને આરોપીઓને રિમાન્‍ડ પર લઈને ઊંડી પૂછપરછ ચલાવી રહી છે.

આ ટોળકીએ ભોળા રોકાણકારોને જાળમાં ફસાવવા માટે અનેક લોભામણી સ્‍કીમો રજૂ કરી હતી. બંને એપમાં નાણાં રોકવાથી ટૂંકા સમયમાં મોટો નફો થશે તેવી ખાતરી આપવામાં આવતી હતી. હજારો લોકો આ લાલચમાં આવીને પોતાની મૂડી ગુમાવી બેઠા હતા. સમગ્ર રેકેટમાં SD PAY એપનું સંચાલન કરનાર નારાયણ કાંગનેને પોલીસે અગાઉ ઔરંગાબાદથી ઝડપી પાડ્‍યો હતો. તેની પૂછપરછમાં એપના અસલી માલિક તરીકે ધવલ પટેલ અને નિશીના નામો સામે આવ્‍યા હતા. આ ખુલાસો થતાં જ વડોદરા પોલીસે બંને સામે ટ્રાન્‍સફર વોરંટ મેળવીને કસ્‍ટડી મેળવી હતી.

પોલીસ કસ્‍ટડીમાં રહેલા આરોપીઓમાં મુખ્‍ય સૂત્રધાર ધવલ ગોવિદ પટેલ મહેસાણાના ખેરાલુ તાલુકાના માણકેજ ગામનો વતની છે. જ્‍યારે તેની સાથીદાર નિશી સત્‍યનારાયણ પ્રસાદ મૂળ બિહારની રહેવાસી છે અને હાલ મહેસાણા ખાતે રહેતી હતી. સાયબર સેલની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જ રૂ. ૧૫૦૦ કરોડથી વધુના શંકાસ્‍પદ નાણાકીય ટ્રાન્‍ઝેક્‍શનની વિગતો મળી આવી છે. આટલી મોટી રકમના વ્‍યવહારો જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‍યા છે. દેશભરમાંથી અનેક લોકો આ નેટવર્કનો શિકાર બન્‍યા હોવાની આશંકા છે.

૨૭ બેંક ખાતાઓની વિગતો મંગાવાઈ

સાયબર સેલની તપાસ દરમિયાન કૌભાંડીઓના ૨૭ જેટલા બેંક ખાતાઓની મહત્‍વની માહિતી હાથ લાગી છે. પોલીસે તમામ સંબંધિત બેંકો પાસેથી આ ખાતાઓનું સ્‍ટેટમેન્‍ટ તેમજ વ્‍યવહારોની માહિતી માંગી છે. આ ખાતાઓમાં જમા થયેલા નાણાં ક્‍યાં ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા તે અંગે ફોરેન્‍સિક ઓડિટ કરવામાં આવશે. સમગ્ર કૌભાંડનું નેટવર્ક ઘણું મોટું હોવાથી આગામી દિવસોમાં અન્‍ય મોટા માથાના નામો પણ બહાર આવી શકે છે. હાલમાં વડોદરા સાયબર સેલ આ કેસમાં કડીઓ જોડીને વધુ તપાસ આગળ વધારી રહી છે.

(1:21 PM IST)