News of Thursday, 11th April 2024
મુખ્ય પોલિસવડા વિકાસ સહાય દ્વારા રાજકોટ સીપી પાસેથી તાકીદે એસેસમેન્ટ રિપોર્ટ મંગાવ્યો
રવિવારે રાજકોટના રતનપર નજીક યોજાનાર ક્ષત્રિય સમાજ અસ્મિતા મહાસંમેલનની જાહેરાતથી ગાંધીનગરમાં ભારે ધમધમાટ : વધારાનો કેટલો ફોર્સ મોકલવો, ટ્રાફિક મેનેજમેન્ટ કેવી રીતે કરવું, સ્થળ સ્થિતિના ફૂલ પ્રૂફ રિપોર્ટ આધારે રણનીતિ નક્કી થશે : આગેવાનોની શાંત આંદોલનની અસર તમામ સ્થળે :વર્તાતી હોવા છતાં તંત્ર કોઇ જાતનું જોખમ લેવા માંગતુ નથી : આઇબી રિપોર્ટ સાથે રાજકોટ પોલીસના રિપોર્ટ પણ સરખાવ્યા બાદ લો એન્ડ ઓર્ડર વિભાગના વડા દ્વારા આખરી કાર્યવાહી

રાજકોટ તા. ૧૦ : રાજકોટ સંસદીય મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની બહેનો વિષે અપમાનજનક ટિપ્પણી બાદ માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં રાજય બહાર પાડેલ પડઘા સમાવવા અનેક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે અને બીજી તરફ રાજપૂત સમાજના ૯૦ જેટલા સંગઠનો એકી અવાજે પુરષોત્તમભાઈ રૂપાલાની ટીકીટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નહિ સ્વિકારવાના અડગ નિર્ણય વચ્ચે પરસોતમભાઈ રૂપાલા વાજતે ગાજતે ફોર્મ ભરશે તેવી જાહેરાતનાં પગલે રાજપૂત સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા છે અને તા. ૧૪ ને રવિવારે રાજકોટ નજીકના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહા સંબેલનની જાહેરાતના પગલે ગાંધીનગરમાં આ મહા સંમેલન અંગે પોલીસ તંત્ર દ્વારા કેવા પ્રકારનો બંદોબસ્ત રાખવો , મોટી ભીડને કારણે કાયદો વ્યવસ્થા ન ખોરવાઇ તે જોવા વિગેરે બાબતે મંથન ચાલી રહ્યું છે.
સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આ સંમેલનમાં કેટલી ભીડ થશે, કાયદો વ્યવસ્થા સુદ્રઢ રીતે જળવાય તે માટે વધારાનો અર્ધ લશ્કરી દળ સહિત કેટલો પોલીસ ફોર્સની જરૂર પડશે તેનો તાકીદનો એસેસમેન્ટ રિપોર્ટ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પાસે માંગવામાં આવ્યો હોવાનું બહાર આવેલ છે.
અત્રે એ યાદ રહે કે રાજયભરમાં આ મામલાએ જોર પકડ્યું હોવાથી અને ઉમેદવાર પ્રચારમાં આવે ત્યારે પ્રવેશબંધી સહિતના પગલાંઓ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની ઉપસ્થીતમાં હંગામો વિગેરે બાબત ધ્યાને રાખી તંત્ર ખૂબ સાવધાનીપૂર્વક વર્તી રહ્યુ છે, રાજપૂત સમાજના આગેવાનો પણ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને સમાજને ખૂબ સંયમ રાખવા વારંવાર અપીલ કરવામાં આવી છે, આથી કોઈ અનિચ્છનિય ઘટના નહિ બને તેવું સહુ માને છે પણ તંત્ર કોઈ જાતનું જોખમ લેવાના મતનું નથી.
સ્ટેટ આઇબી અને રાજકોટ પોલીસ તરફથી જે એસેસમેન્ટ રિપોર્ટ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય અને લો એન્ડ ઓર્ડર વડા શમશેરસિંઘનર મળ્યા બાદ આખી રણનીતિ ઘડાશે. રાજકોટમાં રાજપૂત સમાજની વિશાળ રેલી નીકળી હતી તે સંખ્યા પણ તંત્રના ધ્યાને રાખવામાં આવી હોવાનું સૂત્રો કહે છે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
