News of Friday, 12th April 2024
એસેમ્બલી એનાલિસિસ
પાટણ-બનાસકાંઠા સિવાય સમગ્ર રાજ્યમાં ભાજપ સામે પડકાર નહીં
પાટણ લોકસભામાં આવતી ૭ વિધાનસભા બેઠકમાંથી ૪ કોંગેસ પાસે જ્યારે બનાસકાંઠામાં ૨ બેઠક કોંગ્રેસ હસ્તક હોવાથી જંગ રસપ્રદ બનશે

નવી દિલ્હી,તા. ૧૨: ગુજરાત લોકસભાની ૨૬ બેઠક પરથી બનાસકાંઠા અને પાટણની બેઠક જ એવી છે જે ભાજપ માટે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પરિણામોના આધારે પડકારજનક બની શકે છે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠકમાં કોંગ્રેસને વાવ અને દાંતા એમ બે બેઠક ઉપર જીત મળી હતી. અહીં કોંગ્રેસ દ્વારા બોલકા મહિલા ઉમેદવાર અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જયારે પાટણ લોકસભામાં આવતી સાત વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસને ચાર વિધાનસભા બેઠક વડગામ, કાંકરેજ, પાટણ અને ચાણસ્મા બેઠક ઉપરથી જીત મળી હતી. તે જોતા પાટણ બેઠક ઉપર રસાકસીનો જંગ જામી શકે છે.
લોકસભાની ચૂંટણી માટે વિધાનસભાની ૨૦૨૨માં યોજાયેલી ચૂંટણી પરિણામના આંકડા સાથે સરખામણી થાય તો ભાજપને એકંદરે પાટણ અને બનાસકાંઠા બેઠકને બાદ કરતા અન્ય કોઇ બેઠક ઉપર મોટો પડકાર નથી. વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકમાંથી હાલ છ બેઠક ખાલી પડી છે. જેમાં કોંગ્રેસના ચાર ધારાસભ્ય, એક આમ આદમી પાર્ટીના અને એક અપક્ષ ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. પાટણ બેઠકની સાત વિધાનસભા બેઠકમાંથી વડગામમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જિજ્ઞેશ મેવાણી, કાંકરેજ બેઠક પરથી અમૃત ઠાકોર, પાટણ બેઠક પરથી કિરીટ પટેલ અને ચાણસ્મા બેઠક પરથી દિનેશ ઠાકોરે વિજય મેળવ્યો હતો. જોકે, પાટણ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જ વિજયી થતા આવ્યા છે તે વાસ્તવિકતા છે. કોંગ્રેસે આ વખતે સિદ્ધપુર બેઠક પરથી હારી ગયેલા ચંદન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં વાવ વિધાનસભા બેઠક ઉપર ગેનીબેન ઠાકોર અને દાંતા બેઠક ઉપર કાંતિ ખરાડી એમ બે બેઠક કોંગ્રેસ જીતેલી છે. ધાનેરાના અપક્ષ ઉમેદવાર માવજી દેસાઇ ભાજપ તરફી છે.
પાટણ અને બનાસકાંઠા બેઠકને બાદ કરતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની બેઠકો વહેંચાઇ જતા અન્ય કોઇ લોકસભા બેઠક ઉપર વિધાનસભા પરિણામ મુજબ પ્રભાવ પાડી શકે તેમ નથી કે ભાજપને પડકાર આપી શકે તેમ નથી તે સ્પષ્ટ છે. ભરૂચ બેઠક ઉપર આપના ચૈતર વસાવા ઉભા છે તે સિવાય લોકસભામાં આવતી અન્ય છ બેઠક ભાજપ પાસે છે. ભરૂચ બેઠક પણ વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકમાં કુલ છના રાજીનામા બાદ હાલની ૧૭૬ બેઠકમાંથી ભાજપની ૧૫૬ બેઠક, કોંગ્રેસના ૧૭ માંથી ૪ ધારાસભ્યે રાજીનામું આપતા ૧૩, આમ આદમી પાર્ટીના પાંચ માંથી એકના રાજીનામા પછી ૪, વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યના રાજીનામા બાદ ૨ અપક્ષ, ૧ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. બે અપક્ષ અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ભાજપના સમર્થક ગણાય છે. જે બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ રાજીનામા આપ્યા છે તે હાલ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. (૨૨.૫)
કઇ લોકસભા બેઠકમાં કોંગ્રેસ-આપના ધારાસભ્યની કેટલી બેઠક
બનાસકાંઠા લોકસભામાં વાવ અને દાંતા-કોંગ્રેસ
પાટણમાં વડગામ, કાંકરેજ, પાટણ અને ચાણસ્મા-કોંગ્રેસ
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા-કોંગ્રેસ
અમદાવાદ પヘમિમાં જમાલપુર અને દાણીલીમડા-કોંગ્રેસ
જામનગરમાં જામજોધપુર-આપ
જુનાગઢમાં સોમનાથ-કોંગ્રેસ
અમરેલીમાં ગારિયાધાર-આપ
આણંદમાં આંકલાવ-કોંગ્રેસ
ભાવનગરમાં બોટાદ-આપ
ભરૂચમાં ડેડિયાપાડા-આપ
* વલસાડમાં વાંસદા-કોંગ્રેસ
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
