<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

ગુજરાતમાં ચુંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ: પ્રથમ દિવસે લોકસભા માટે ૩ તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે એક ઉમેદવારે ફોર્મ ભર્યું

અમદાવાદ:ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૬-વિજાપુર, ૮૩-પોરબંદર, ૮૫-માણાવદર, ૧૦૮-ખંભાત તથા ૧૩૬-વાઘોડિયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું આજ તા.૧૨ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે.

લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આજે નામાંકન સ્વીકારવાનું શરૂ થયાના પ્રથમ દિવસે એટલે કે, તા.૧૨ના રોજ 3 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે.જેમાં 

ભોરણીયા સોયબભાઈ હાસમભાઈ અપક્ષ ૦૩-પાટણ,રાહુલ ચીમનભાઈ મહેતા રાઈટ ટુ રિકોલ પાર્ટી ૦૬-ગાંધીનગર તથા પાંડોર કૌશિકકુમાર શંકરભાઈ અપક્ષ તરીકે લોકસભાની પંચમહાલ બેઠક પરથી ઝુકાવ્યું છે.

જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૨ ના રોજ વિપીનભાઈ માધવભાઈ પરમારે અપક્ષ તરીકે ૧૩૬-વાઘોડિયા બેઠક પરથી ફોર્મ ભર્યું છે.

આમ આજ તા.૧૨ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં કુલ:૩ ઉમેદવારી પત્રો તથા વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં કુલ ૧ ઉમેદવારી પત્ર રજૂ થયા છે.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.

 

(11:46 PM IST)