<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

ગુજરાતમાં ૬૨ વર્ષમાં ૨૦ ઉમેદવારો ૫૦૦૦થી ઓછા મતે વિજેતા

ભારત કા લોકતંત્ર અમર રહે, મતદાન સે સિંચિત મતદાતાઓ કા સુનહરા સફર રહે... :લોકસભાની ચૂંટણીનો રસપ્રદ ઇતિહાસ : અમરેલીમાં વીરજીભાઇ ઠુમર ૨૦૩૦ મતે, કચ્‍છમાં પુષ્‍પદાન ગઢવી ૪૩૧૫ મતે જીતેલા : ખેડામાં દિનશા પટેલની સરસાઇ ૮૪૬ અને વડોદરામાં સત્‍યજીતસિંહ ગાયકવાડની સરસાઇ માત્ર ૧૭ મતની હતી

રાજકોટ તા. ૧૫ : લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ૯૪ બેઠકો માટે ઉમેદવારી પત્રો રજુ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે ૭ જુને મતદાન છે. તા. ૧૨ થી ૧૯ એપ્રિલ ઉમેદવારી પત્રો રજુ કરવાનો સમય છે. રાજ્‍યમાં ૧૯૬૨થી અત્‍યાર સુધીમાં સામાન્‍ય ચૂંટણીમાં સામાન્‍ય સરસાઇથી હાર-જીત થઇ હોય તેવા અમૂક દાખલા છે. એક વખત વડોદરાના કોંગ્રેસી ઉમેદવાર ભાજપના ઉમેદવાર જીતુ સુખડિયા સામે માત્ર ૧૭ મતની સરસાઇથી જીત્‍યા હતા. આ પરિણામ એક-એક મતનું મહત્‍વ દર્શાવે છે.

 

‘ઇન્‍ડિયા વોટસ'ના રેકોર્ડ મુજબ ગુજરાતની સ્‍થાપના પછી આજ સુધીમાં (૨૦૧૯ સુધીમાં) લોકસભાની સામાન્‍ય ચૂંટણીઓ આવી તેમાં ગુજરાતમાં ૨૦ જેટલા ઉમેદવારો પાંચ હજારની અંદરની સરસાઇથી જીત્‍યા છે. તેની આંકડાકીય માહિતી જાણવા જેવી છે. રાજ્‍યમાં વધુમાં વધુ અને ઓછામાં ઓછી તેમ બન્‍ને પ્રકારની સરસાઇના વિક્રમ છે.

 

અમરેલી મતક્ષેત્રમાં ૨૦૦૪માં કોંગીના વીરજીભાઇ ઠુંમરે ભાજપના દિલીપ સંઘાણીને ૨૦૩૦ મતે હરાવ્‍યા હતા. ભાવનગરમાં કોંગ્રેસના જમોડ અને ખેડામાં કોંગ્રેસના દિનશા પટેલ ૮૪૬ મતે વિજેતા બન્‍યા હતા. કચ્‍છમાં ભાજપના પુષ્‍પદાન ગઢવી ૪૩૧૫ મતથી ચૂંટણી જીત્‍યા હતા. વર્ષ ૨૦૦૪માં દાહોદમાં ભાજપના ઉમેદવાર બાબુભાઇ કટારા માત્ર ૩૬૧ મતે સંસદ સભ્‍ય બન્‍યા હતા.

મતદાનનું પ્રમાણ મતદાનની ટકાવારી અને પરિણામ પર મોટી અસર કરે છે. અમૂક વિસ્‍તારોમાં અમૂક પક્ષના નિヘતિ મનાતા મતદારોનું પ્રમાણ મોટું હોય છે. આવા વિસ્‍તારો પરિણામના સમીકરણો બદલી શકે છે. મતદારો સામાન્‍ય રીતે ઉમેદવારની વ્‍યકિતગત ક્ષમતા, સક્રિયતા, પક્ષ સાથેનું જોડાણ, રાજકીય માહોલ વગેરે જોઇને મત આપતા હોય છે. ચૂંટણી નજીક હોય તે સમયની કોઇ ઘટના પણ રાજકીય ઉથલપાથલ સર્જી શકે છે. એક મતથી જીતનાર વ્‍યકિત પણ વિજેતા ગણાય છે પણ જીતને શાનદાર બનાવવા દરેક પક્ષ અને ઉમેદવાર મહત્તમ સરસાઇના પ્રયાસો કરે તે સ્‍વભાવિક છે. ગુજરાતમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૬૬ ટકા મતદાન થયેલ. આ વખતે મતદાનનું પ્રમાણ વધારવા ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોના પ્રયાસો છે.

પાંચ હજારથી ઓછી સરસાઇથી સાંસદ બનેલા ઉમેદવારો

વર્ષ      મતક્ષેત્ર          ઉમેદવાર           પક્ષ      સરસાઇ

૧૯૬૭ બનાસકાંઠા    મનુભાઇ નંદલાલ  સ્‍વતંત્ર પક્ષ   ૪૪૦૭

૧૯૭૧  ગાંધીનગર  સોમચંદભાઇ સોલંકી કોંગ્રેસ(ઓ)   ૩૫૦૨

૧૯૭૭    દાહોદ      સોમજીભાઇ ડામોર     કોંગ્રેસ      ૩૩૯૩

૧૯૭૭    ગોધરા      હિતેન્‍દ્રભાઇ દેસાઇ     કોંગ્રેસ      ૧૩૮૦

૧૯૭૭  જામનગર      વિનોદભાઇ શેઠ ભારતીય લોકદળ ૨૬૭૦

૧૯૮૦    પાટણ      હિરાલાલ પરમાર     કોંગ્રેસ      ૨૭૫૪

૧૯૮૪  ગાંધીનગર      જી.આઇ.પટેલ       કોંગ્રેસ      ૨૭૫૪

૧૯૮૯  ભાવનગર     શશીકાંત જમોડ      કોંગ્રેસ      ૦૫૫૨

૧૯૯૧     ખેડા         કે.ડી.જેસવાણી       ભાજપ     ૧૬૮૮

૧૯૯૬   વડોદરા  સત્‍યજીતસિંહ ગાયકવાડ  કોંગ્રેસ      ૦૦૧૭

૧૯૯૬ બુલસર (વલસાડ) મણિભાઇ ચૌધરી   ભાજપ      ૩૬૮

૧૯૯૬    ગોધરા       શાંતિભાઇ પટેલ      કોંગ્રેસ      ૩૨૨૮

૧૯૯૯    આણંદ  દીપકભાઇ પટેલ (સાથી) ભાજપ     ૩૬૬૧

૧૯૯૯ છોટા ઉદેપુર    રામસિંહ રાઠવા      ભાજપ     ૧૧૯૮

૧૯૯૯     કચ્‍છ        પુષ્‍પદાન ગઢવી      ભાજપ     ૪૩૧૫

૨૦૦૪   અમરેલી      વીરજીભાઇ ઠુંમર      કોંગ્રેસ      ૨૦૩૦

૨૦૦૪    દાહોદ       બાબુભાઇ કટારા      ભાજપ     ૦૩૬૧

૨૦૦૯     ખેડા          દિનશા પટેલ        કોંગ્રેસ      ૦૮૪૬

૨૦૦૯ સુરેન્‍દ્રનગર    સોમાભાઇ પટેલ      કોંગ્રેસ      ૪૮૩૧

૨૦૧૯ બુલસર (વલસાડ) નાનુભાઇ પટેલ     કોંગ્રેસ      ૩૬૫૯

 

(5:33 PM IST)