<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

ચૂંટણી પહેલા જ ભાજપના હાથમાં ‘લાડવો' : પક્ષે ઇતિહાસ રચ્‍યો

સુરત બેઠક ભાજપના ગજવામાં :મુકેશ દલાલ બિનહરીફ જાહેર

કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ આજે બસપા સહિત અપક્ષોએ ધડાધડ ઉમેદવારીપત્રો પાછા ખેંચ્‍યા

નવી દિલ્‍હી તા. ૨૨ : ગુજરાતમાં ઐતિહાસિક ઘટના ઘટી છે. લોક સભા ચૂંટણી થયા પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. આવુ પહેલીવાર થયુ છે કે કોઈ ઉમેદવાર ચૂંટણી પહેલા જીતી ગયા હોય. રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્‍યુ હતુ. જે બાદ તમામ અન્‍ય પક્ષના ઉમેદવારોએ પણ આજે તેમની દાવેદારી પરત ખેંચી લીધી છે.

સુરત બેઠક પરથી આઠ પૈકી સાત ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. જોકે સુરતમાં બસપા ઉમેદવાર અને પાર્ટીના પ્રમુખ પ્‍યારેલાલ ભારતીએ આજે બે વાગ્‍યા સુધી ફોર્મ પરત ખેંચ્‍યું ન હતું. બીજી તરફ પ્‍યારેલાલે કલેક્‍ટર અને એસપીને પત્ર લખીને પોલીસ સંરક્ષણ માંગ્‍યુ હતું. મુકેશ દલાલ બિનહરીફ થવાના સંકેત વચ્‍ચે પ્‍યારેલાલ સંપર્ક વિહોણા થયા હતા અને તેમના ઘર પર પણ તાળું હતું. આ વચ્‍ચે અચાનક તે કલેક્‍ટર કચેરીએ દોડી આવ્‍યા છે. એવી ચર્ચા છે કે તેમણે ફોર્મ પરત ખેંચ્‍યું છે.

સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્‍યો છે. બસપા સહિતના તમામ ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્‍યો છે.

સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોગ્રેસના ઉમેદવારના ફોર્મને લઇને ધમાચકડી ચાલ્‍યા બાદ સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતું. આ ફોર્મ રદ થતા જ ફોર્મ ચકાસણીની પ્રકિયા પણ પૂર્ણ થઈ છે.

સુરત લોકસભાની ચૂંટણીના ૭૩ વર્ષના વર્ષના ઈતિહાસમાં આ વર્ષે ૧૮મી વખત યોજાનારી ચૂંટણી મતદારો, રાજકીય પક્ષો માટે હંમેશા એટલા માટે યાદ રહેશે કેમ કે ૭૩ વર્ષમાં મુખ્‍ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે. આ દિવસ કોગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ ૧૯૫૧થી ચૂંટણી યોજાઈ રહી છે અને ૨૦૧૯ સુધી ૧૭ વખત ચૂંટણી યોજાઈ તેમાં કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્‍યા હતા. પરંતુ ૧૯૫૧ પછી પ્રથમ વખત એવુ બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. આ નામોશી માટે કોણ જવાબદાર? તે ચર્ચાનો વિષય બન્‍યો છે.

જોકે, હજી ચૂંટણી અધિકારીઓએ આ અંગે કોઇ ઓફિશિયલ માહિતી આપી નથી.

(3:26 PM IST)