<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

ઉનાળો બરોબર જામતાની સાથે લીંબુ, છાશ નારિયેળના ભાવમાં અચાનક ઉછાળો આવ્‍યો

હોલસેલમાં કિલોના રૂ. ૧૦૦એ વેચાતા લીંબુનો રિટેલમાં રૂ. ૨૦૦નો ભાવ રિહાઇડ્રેટ રહેવા છાશ, નારિયેળ પીવામાં ખિસ્‍સા ડિહાઇડ્રેટ થઇ જાય

અમદાવાદ,તા. ૬: રાજ્‍યભરમાં અસહ્ય ગરમીને લીંબુ હોલસેલમાં રૂ. ૧૦૦ કિલો અને પશ્ચિમ વિસ્‍તારમાં રિટેઇલમાં રૂ. ૧૮૦ થી ૨૦૦ કિલો વેચાણ થઇ રહ્યા છે. જો કે, શહેરના કોટ વિસ્‍તારમાં માણેકચોકમાં હોલસેલમાં રૂ. ૯૦ કિલો અને રિટેઇલમાં રૂ. ૧૫૦ કિલો વેચાણ થઇ રહ્યા છે. ગરમીમાં તબીબો લીંબુ પાણી, છાશ અને નાળિયેર પીવાનું કહી રહ્યા છે. તેવામાં એક લીંબુ રૂ. ૧૫ થી ૨૦ માં પડી રહ્યુ છે. લીંબુ પાણીનો ગ્‍લાસ પહેલા રૂ. ૧૫ મળતો હતો તે અત્‍યારે રૂ. ૨૦ મળી રહ્યો છે. છાશ એક ગ્‍લાસ રૂ. ૧૦ મળતી હતી તે હાલમાં રૂ. ૧૫ અને નાળિયેર પાણી રૂ. ૪૦ મળતુ હતું. તે રૂ. ૬૦ થી ૭૦માં મળી રહ્યુ છે એમાંય પાણી વાળા અને મલાઇ વાળા નાળિયેર એમ બે પ્રકારના નાળિયેર આવતા હોય વેપારી અલગ અલગ ભાવો લેવાનું ચાલુ કર્યું છે. આમ મોંઘવારીના લીધે લોકોની હાલત કફોડી થઇ ગઇ છે. એમાં ખાંડના ભાવમાં કિલોએ રૂ. ૨નો વધારો થયો છે. એટલે કે રૂ. ૪૦ કિલો  મળતી ખાંડ હાલમાં રૂ. ૪૨ કિલો મળી રહી છે.

સામાન્‍ય દિવસોમાં લીંબુ રૂ. ૪૦ કિલો મળતા હતા. પરંતુ ઉનાળાને બજારમાં લીંબુની આવક ઓછી થઇ જતા હાલ રૂ. ૧૦૦ કિલો હોલસેલમાં મળી રહ્યા છે. જ્‍યારે છૂટક લીંબુ એક કિલોના ભાવ રૂ. ૧૮૦ થી ૨૦૦ કિલો મળી રહ્યા છે. રાજનગર શાક માર્કેટના વેપારીએ જણાવ્‍યુ છે કે, લીંબુ મોટી કંપનીઓ દ્વારા ખેડૂતો પાસેથી એડવાન્‍સ ચાર માસ પહેલા બુક કરાવી દીધુ હોવાથી બજારમાં ઓછા આવી રહ્યા છે. જેના લીધે ભાવોમાં અસહ્ય ઉછાળો આવી ગયો છે. પહેલા પાક થયા બાદ તેના ભાવો બજારમાં પડતા હતા. જ્‍યારે અત્‍યારે એડવાન્‍સમાં ભાવો પાડીને સીધા ખેડૂતોને નાણાં ચૂકવી દેવામાં આવી રહ્યા છે. જેના લીધે હોલસેલ માર્કેટમાં જેટલી જરૂરિયાત હોય તેના ચાલીસ ટકા આવી રહ્યા છે. આટલુ જ નહીં અત્‍યારે ખેડૂતો એડવાન્‍સમાં નાણાં માગે છે. આ રીતે દુધના ભાવો વધતાની સાથે છાશના ભાવો પણ વધારી દેવામાં આવ્‍યા હતા. અત્‍યારે રૂ. ૧૫ મળી રહી છે. આ પછી ફુદીના છાશ, પંજાબી છાશના નામે રૂ. ૨૦ થી ૨૫ વેપારીઓ ગ્રાહકો પાસેથી ખંખેરી રહ્યા છે.

(4:02 PM IST)