News of Monday, 6th May 2024
રાજપીપળા ST ડેપોની બસો ચૂંટણીમાં ફળવાતા મોટાભાગના રૂટ બંધ : મુસાફરો અટવાયા
ડેપોમાં કુલ 65 બસો છે જેમાંથી 50 બસો ચૂંટણીના કામમાં મોકલાતા પાસ ધારકો અને અન્ય મુસાફરો કલાકો અટવાઈ ઘરે પરત ફર્યા:મુસાફરોની ચિંતા કર્યા વિના ડેપોની લગભગ બધી બસો મંગાવવી એ બાબતથી મુસાફરોમાં નારાજગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોમાંથી બધી બસો ચૂંટણીના કામમાં મોકલી આપતા મુસાફરો અટવાયા હતા અને ખાસ કરીને અભ્યાસ કે નોકરી અર્થે બહાર જતા પાસ ધારકો પણ ડેપોમાં બસની રાહ જોઈ પરત ફર્યા હતા
મળતી માહિતી અનુસાર તારીખ ૭ મે ના દિવસે લોકસભા ચૂંટણી હોય જેના કામ અર્થે રાજપીપળા સહિત મોટાભાગના એસટી ડેપો ની બસો ત્યાં મોકલી અપાતા હજારો મુસાફરો અટવાઈ ગયા હતા જેમાં ખાસ તો રાજપીપળા થી વડોદરા,અંકલેશ્વર કે ભરૂચ તરફ નોકરી કરતા કે અભ્યાસ કરતા પાસ ધારકો પણ અટવાયા હતા અને અન્ય મુસાફરો પણ અટવાયા હોય રાજપીપળા એસટી ડેપોમા કુલ 65 બસો છે જેમાંથી 50 બસો ચૂંટણીના કામમાં આપતા સવારથી મુસાફરો બસની રાહ જોઈ ઉભેલા જોવા મળ્યા અને કલાકો બાદ જાણ થઈ કે કોઈ બસ મળે તેમ નથી તેમજ બીજા બહારના ડેપોમાંથી રાજપીપળા આવતી બસો પણ બંધ રહેતા મુસાફરો પાસે જવા માટેનો કોઈજ વિકલ્પ નહિ રહેતા મોટી સંખ્યામાં મુસાફરો ઘરે પરત ફર્યા હતા.જોકે અમુક રૂટ પર બસ જતી હતી પરંતુ તે સમયસર નહિ જતા લોકો અટવાયા હતા.જોકે ડેપો માં બાકી રહેલી બસો દ્વારા મુસાફરો ને ધ્યાને રાખી જરૂરિયાત મુજબના રૂટો નું સંચાલન કરતા હોવાનું ડેપો મેનેજર કે.એચ.નાય એ જણાવ્યું હતું.
આ બાબતે મુસાફર પંકજભાઈ પટેલે જણાવ્યું કે આ તો કેવો વહીવટ છે જ્યારે જ્યારે કોઈ મોટા નેતા કે મંત્રી આવવાના હોય અથવા ચૂંટણી હોય ત્યારે ડેપો માંથી લગભગ બધી જ બસો મંગાવી લેતા હજારો મુસાફરો ને તકલીફ વેઠવી પડે છે તો શું સરકાર અન્ય ખાનગી વાહનો ભાડે ના કરી શકે..? કેમ એસટી બસો જ મંગાવાઈ છે..? શું હજારો મુસાફરો ની સરકાર ને કોઈ ચિંતા નથી
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
