<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

નર્મદા : દેડિયાપાડા તાલુકાની કરજણ નદીનું પ્રદુષિત પાણી સુરત જિલ્લાના ૨૮ ગામો પી રહ્યા છે

ઉમરપાડા તાલુકાના અંદાજીત ૨૪ થી ૨૮ ગામજનો અને પશુઓ પણ પ્રદુષિત પાણી પી રહ્યા છે. લોકો પ્રદુષિત પાણી પીને રોગચાળાની લપેટમાં આવશે તો જવાબદાર કોણ ?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના રેલ્વા ભરાડા ગામ પાસેથી કરજણ નદી પસાર થાય છે. અહીંયા કરજણ નદી ઉપર મોટો ચેકડેમ બનાવવામાં આવ્યો છે. આ ચેકડેમનું સંગ્રહ થયેલું પાણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા અંદાજીત ૨૪ થી ૨૮ ગામોને ઉમરપાડા પાણી પુરવઠા યોજના અંતર્ગત પીવાનું શુધ્ધ પાણી પાઈપલાઈન દ્વારા ઉમરપાડા તાલુકા ચવડા ગામે ટાંકી બનાવીને આપવામાં આવી રહ્યું છે. ત્યારે દુઃખની વાત એ છે કે અત્યારે કરજણ નદી સુકાઈ ગઈ છે. કરજણ નદીનું વહેતું પાણી બંધ થઈ ગયું છે. આ ચેકડેમનું સંગ્રહ થયેલું  સ્થિર પાણી બંધિયાર હાલતમાં છે. આ પાણીમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે છે. સંગ્રહ થયેલું પાણી પ્રદુષિત બન્યું છે. જે મનુષ્યોને પીવાલાયક નથી ? તેમ છતાં ઉમરપાડા તાલુકાના અંદાજીત ૨૮ ગામના આદિવાસી લોકો આ પ્રદુષિત પાણી પી રહ્યા છે. આદિવાસી લોકો બિમાર પડશે ? પાણી જન્ય રોગચાળનો ભોગ બનશે તેને માટે કોણ જવાબદાર છે.? એવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે. ઉમરપાડા પાણી પુરવઠા વિભાગમાં કેવી લોલમલોલ ચાલે છે તેનું આ સચોટ ઉદાહરણ છે.

(10:36 PM IST)