<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th May 2024

નર્મદા જિલ્લામાં ૪.૧૬ લાખ મતદારો ૬૧૬ મતદાન મથકો ઉપર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે

જિલ્લામાં ૧૩૩ ક્રિટીકલ મતદાન મથકો ઉપર વિશેષ સુરક્ષા વ્યવસ્થા, ૩૦૯ મથકોનું લાઇવ વેબકાસ્ટિંગ થશે: હિટવેવ એકશન પ્લાન અંતર્ગત છાયડો, પાણી, બેઠક, આરોગ્ય લક્ષી સુવિધા મતદારોને ઉપલબ્ધ કરાવશે: ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખી વહેલા મતદાન કરી લેવા કલેક્ટર શ્વેતા તેવતિયાની નાગરિકોને અપીલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે નર્મદા જિલ્લામાં ભરૂચ અને છોટાઉદેપુર બેઠક માટે મતદાન થવાનું છે, ત્યારે આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારી અંગે માહિતી આપતા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાઇ તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીની સ્થિતિને સ્થિતિને ધ્યાને રાખીને સવારના સમયે જ નાગરિકો મતદાન કરી લે એ માટે પણ અપીલ છે. આ ઉપરાંત હિટવેટ સામે ઓરઆરએસ, પાણી-છાંયડો, આરોગ્ય કાર્યકરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચિતમાં તેવતિયાએ કહ્યું કે, ભરૂચ બેઠક માટે ૧૩ અને છોટા ઉદેપુર બેઠક માટે ૬ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ગત એપ્રિલ માસની સ્થિતિએ ૪.૬૧ લાખ મતદારો નોંધાયા છે. તેમાંથી ૧૫૪૩૬ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. દેડિયાપાડા અને નાંદોદ બેઠકમાં કુલ મળી ૬૧૬ મતદાન મથકો છે. તેમાંથી ૧૩૩ ક્રિટિકલ મથકો છે. ૩૦૯ મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. ૨૪ શેડો એરિયાના મથકમાં વોકીટોકીની સુવિધા રાખવામાં આવી છે.
મતદાનકર્મીઓને માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ૬૧૬ મતદાન મથકો ઉપર ૩૦૮૦ મતદાનકર્મીઓ, ૫૪૪ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે. આ તમામ મથકો માટે રિઝર્વ સહિતના ઇવીએમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આજે મતદાનકર્મીઓ તેમના સંબંધિત મથક ઉપર જવા માટે રવાના થયા છે. આ માટે ૬૦ મોટી એસટી બસ, ૨૩ નાની એસટી બસ, ૭૬ જીપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૨ જીપ ઇવીએમ ક્લસ્ટર માટે અને ૮૨ જીપ સેક્ટર ઓફિસરને આપવામાં આવી છે.
કલેક્ટરે ઉમેર્યું કે, આ ચૂંટણી સર્વસમાવેશક બની રહે તે માટે દિવ્યાંગ અને ૮૫ વર્ષથી ઉપરના મતદારોને હોમ વોટિંગની સુવિધા આપવામાં આવી છે. મતદાન મથકો માટે ૧૧૪ વ્હિલચેર આપવામાં આવી છે. એસઓયુ તંત્ર દ્વારા પણ વ્હિલચેરની ફાળવણી કરવામાં આવી છે. દ્રષ્ટિહિન મતદારો માટે ૭૭૩ બ્રેઇલ વોટર ગાઇડનું વિતરણ કરવામાં આવ્યું છે.
ચૂંટણી કાર્ડ સહિત અન્ય માન્ય પુરાવા અંગે તેમણે કહ્યું કે,  (૧)  પાસપોર્ટ, (૨)  ડ્રાઇવિંગ લાઇસન્સ, (૩)  કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લિક લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખકાર્ડ, (૪) બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, (૫) પાનકાર્ડ, (૬) એન.પી.આર. હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, (૭) નરેગા જોબકાર્ડ, (૮) શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ, (૯) ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, (૧૦)  સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી અથવા વિધાનપરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો  ઓળખ કાર્ડ,(૧૧) આધાર કાર્ડનો સમાવેશ થાય છે. વોટર ઇન્ફર્મેશન સ્લીપ એ માન્ય પૂરાવો નથી. મતદાન મથક અંદર મોબાઇલ લઇ જવા ઉપર પ્રતિબંધ છે. તેથી મોબાઇલમાં દર્શાવી શકાય એવા ડિઝીટલ પૂરાવા મતદાન કરવા માટે માન્ય ગણાશે નહીં.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ સુરક્ષા વ્યવસ્થાની મહત્વપૂર્ણ જાણકારી આપી હતી અને તમામ મતદાન મથકો ઉપર પૂરતા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે, તેમ કહ્યું હતું

(10:39 PM IST)