News of Monday, 6th May 2024
૨૫ લોકસભા અને ૫ વિધાનસભાની પાંચ બેઠક પર આજે મતદાન યોજાશે
સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશેઃરાજયના ૪૯,૧૪૦ મતદાન મથકો ખાતે મતદાન યોજાશે : ગુજરાત રાજ્યની ૨૫ લોકસભા બેઠક પર ૪,૯૭,૬૮,૬૮૭ મતદારો નોંધાયેલા છે

ગાધીનગર, તા.૬
ગુજરાતની લોકસભાની ૨૫ અને વિધાનસભાની પાંચ બેઠક માટે ગઈકાલે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા હતા. ૭ મેના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે. ગુજરાત રાજ્યની ૨૫ લોકસભા બેઠક પર ૪,૯૭,૬૮,૬૮૭ મતદારો નોંધાયેલા છે, જે મતદાન કરીને લોકસભાના ૨૬૬ અને વિધાનસભાના ૨૫ ઉમેદવારોનું ભાવે નક્કી કરશે. આખરી મતદાર યાદીમાં ૧૮ થી ૧૯ વર્ષની ધરાવતા ૧૨,૨૦,૪૩૮ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
આવતીકાલે રાજયના ૪૯,૧૪૦ મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. આ મતદાન પૂર્વે રાજકીય પક્ષો દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસો શરૃ કરવામાં આવ્યા હતા. ગત ૦૫ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયેલા હતા. ત્યારબાદ ૦૯ એપ્રિલ, ૨૦૨૪ સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી ૩,૧૯,૨૦૯ મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં ૨,૫૬,૧૬,૫૪૦ પુરૃષ, ૨,૪૧,૫૦,૬૦૩ સ્ત્રી અને અન્યના ૧,૫૩૪ મળી કુલ ૪,૯૭,૬૮,૬૭૭ મતદારોનો સમાવેશ થાય છે.
રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં ૧૮થી ૨૯ વય જૂથનાં કુલ ૧,૧૬,૦૬,૧૮૮ યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ૮૫ વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા ૪,૧૯,૫૮૪ છે.
રાજ્યમાં ૧૦,૦૩૬ મતદારો શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ કે તેનાથી વધુ વયના છે. ૩,૭૫,૬૭૩ મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે, જેમાં ૨૨,૨૩,૫૫૦ મતદારો છે, જ્યારે ભરૃચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા ૧૭,૨૩,૩૫૩ મતદારો છે.
રાજ્યમાં કુલ ૨૭,૫૫૫ સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા ૨૬૬ થઈ છે. જે પૈકી ૨૪૭ પુરુષ ઉમેદવારો, ૧૯ સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં ૨૪-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે, જ્યારે પાંચ વિધાનસભા પેટા ચૂંટણીમા આખરી ઉમેદવારની સંખ્યા ૨૪ છે.
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તમામ વર્ગના મતદારોની સહભાગિતા વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પ્રથમ વખત મતદાન કરનાર મતદારો માટે કોલેજમાં મતદાન જાગૃતિના કેમ્પ તથા કેમ્પસ ઍમ્બેસેડર્સની નિમણૂંક, મહિલા મતદાન જાગૃતિ માટે આંગણવાડી ખાતે બેઠક, ઇન્ડસ્ટ્રીઝમાં વોટર અવેરનેસ ફોરમ દ્વારા મતદાર જાગૃતિ અને સવેતન રજા અંગેની બેઠક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયા દ્વારા મતદાન જાગૃતિ માટે ઇન્ફ્લુઅન્સર્સ તેમજ આઈકન્સ સાથે સહભાગિતા, સોસાયટી મિટિંગ્સ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.
આવતીકાલે રાજ્યની ૨૫ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે જેમાં ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
કુલ ૨૫ સંસદીય મતવિભાગોમાં કુલ પૈકી ૪૯૧૪૦ મતદાન મથક પર મતદાન યોજાશે. ગુજરાત રાજ્યના ચૂંટણી પંચો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, શહેરી વિસ્તારમાં ૧૭,૨૭૫ ગ્રામીણ વિસ્તારમાં ૩૩,૫૧૩ કુલ ૫૦,૭૭૮ મતદાન મથકો પર મતદાન યોજાશે. જેમાં ૧૨૨૫ મતદાન મથકો મહિલા સંચાલિત છે, ૧૭૫ મોડલ મતદાન મથક કોષો અને ૨૪,૮૯૩ મતદાન મથકો પરથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
