<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ગાંધીનગર:ગોકુળપુરા નજીક ચાલતા જતા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળેજ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ગોકુળપુરા પાસે ગઈકાલે સવારના સમયે ચાલતા જઈ રહેલા યુવાનને અડફેટે લઈને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ આ યુવાનનું મોત થયું હતું. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે. ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને તેમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓએ ચિંતા વધારી છે. આ સ્થિતિમાં ગાંધીનગર શહેરના ગોકુળપુરા પાસે સર્જાયેલી વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મોત થયું છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગોકુળપુરા ખાતે રહેતા અને મૂળ રાજસ્થાન જોધપુરના છોટારામ દિપારામ મેઘવાલ ગાંધીનગરની હોટલમાં કામ કરે છે અને તેના રૃમમાં શ્રવણ સીયારામ મેઘવાલ પણ રહેતો હતો. ગઈકાલે સવારના સમયે શ્રવણના ભાઈનો છોટારામ ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે શ્રવણને અકસ્માત થયો છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જેથી છોટારામ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને જોયું તો શ્રવણ અકસ્માત ગ્રસ્ત હાલતમાં મૃત્યુ પામ્યો હતો. જેથી આ સંદર્ભ મિત્રોને પૂછતા શ્રવણ ગોકુળપુરા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે વખતે કોઈ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો અને જે અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે શ્રવણનું મોત થયું હતું. જેથી આ મામલે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

(6:01 PM IST)