News of Friday, 10th May 2024
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીના કેસમાં ખુલ્યું પાકિસ્તાની કનેક્શન
ક્રાઇમ બ્રાંચની તપાસમાં થયો મોટો ખુલાસો થતાં ખળભળાટ : મતદાનના આગલા દિવસે જ મળી હતી ધમકીઓ

અમદાવાદ તા. ૯ : અમદાવાદની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યુ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા એટલે કે ૬ મેના રોજ અમદાવાદની ૨૪ સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકીના મેઈલ મોકલાયા હતા.
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની ૨૪ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના કેસની તપાસમા પાકિસ્તાની કનેક્શન સામે આવ્યુ છે. અમદાવાદની શાળાઓને ઉડાવવાના ધમકીભર્યા ઇમેઇલ પાકિસ્તાનથી આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ક્રાઈમ બ્રાંચે મેઈલ કઇ જગ્યા પરથી આવ્યો છે તેનુ આઈડી શોધી નાંખ્યુ છે.
ગુજરાતમાં ચૂંટણીના મતદાનના આગળના દિવસે જ આ ધમકીભર્યા ઇમેઇલ મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ગંભીરતાને ધ્યાનમાં લઇને ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલીક બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલોનુ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે કલાકોની તપાસ બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નહતી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આ વિસ્તારોમા પોલીસ પેટ્રોલિંગ શરુ કરાયું હતુ.
ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન દ્વારા તપાસ ચાલુ કરી હતી. અમદાવાદ પોલીસ દ્વારા જે સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળ્યા છે ત્યાં ગંભીરતાપૂર્વક તપાસ કરાઈ હતી. અમદાવાદ પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે, કોઈએ આ બાબતે ગભરાવવાની જરૂર નથી તેમજ સોશિયલ મીડિયા પર આવી કોઈ પણ પ્રકારની અફવાઓ કે ખોટા મેસેજોથી દૂર રહેવું, શાંતિ રાખવી અને સાવધાન રહેવું.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
