તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 10th May 2024
ગુજરાતમાં ભગવા પાર્ટીમાં શરૂ થયો છે આ ટ્રેન્ડઃ જુના કાર્યકરો દુઃખી
સવારે કોંગ્રેસમાં હોય : બપોરે પક્ષમાં જોડાય : સાંજે ટિકીટ
ઇલુ... ઇલુ...કોને કહેવાય ? સી.આર. પાટીલ અને દિલીપ સંઘાણીનો ઓડીયો વાયરલ : જયેશભાઇ રાદડિયાની ‘‘ઇફકો''માં જીત બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ઇફકોના ચેરમેનના સામસામા પ્રહારો

રાજકોટ, તા. ૧૦ : ઇફકો ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં શ્રી જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો છે. આ સાથે શ્રી જયેશ રાદડિયાની ઇફકો ના નવા ડિરેક્ટર તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી છે. શ્રી જયેશભાઇ રાદડિયાની જીત બાદ શ્રી દિલીપભાઇ સંઘાણીનું મહત્વનું નિવેદન બહાર આવ્યું છે. આ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ભાજપના અગ્રીમ કિશાન નેતા શ્રી જયેશભાઇ રાદડિયા અને ભાજપનો જેમને સત્તાવાર મેન્ડેટ મળેલ તે શ્રી બિપિનભાઇ પટેલ વચ્ચે જંગ જામ્યો હતો.
દરમિયાન ઇફકોના ડીરેકટરની ચૂંટણીના પરિણામોના પગલે પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર. પાટીલનો વિડીયો અને ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીનો ઓડીયો મેસેજ વાયરલ થયો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ કહી રહ્યા છે કે કેટલાક લોકો સહકારના નામે ઇલુ...ઇલુ.. કરતા હતા. અલગ -અલગ પાર્ટીઓ સાથે મિલાપી પણામાં ભારતીય જનતા પાર્ટીને નુકશાન કરતા હતા.
જયારે શ્રી દિલીપભાઇ સંઘાણી ઓડીયો મેસેજમાં જણાવી રહ્યા છે કે લોકશાહી ઢબે સહકારી આગેવાનોએ મતદાન કરીને પરિણામ લાવ્યા છે. આ પરિણામને કોઇ ઇલુ...ઇલુ... તરીકે જોતા હોય તો આવુ કહેનારને મારે પૂછવુ છે કે સવારે કોંગ્રેસમાં હોય, બપોરે પાર્ટીમાં આવે અને પછી તેને ટિકીટ આપવામાં આવે એવા કેટલાક લોકો ગુજરાતમાં છે ? જેથી કાર્યકર્તાઓ દુઃખી છે તેને ઇલુ.. ઇલુ... કહેવાય કે ભાજપે ભાજપ ચૂંટાઇ એ ઇલુ...ઇલુ... કહેવાય. ભાજપમાં આવી ને કોંગ્રેસ સમર્થક બીજા દિવસે પદ મેળવી લે તેને ઇલુ...ઇલુ... કહેવાય.
મનઘડંત નિર્ણયો સામે લોકશાહી ઢબે મતદાન થાય અને લોકો એમાં ઉમેદવારો પસંદ કરે તેને કહેવાય તેમ શ્રી દિલીપભાઇ સંઘાણીના ઓડીયો મેસેજમાં સાંભળવા મળે છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
