<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

નાવરા ગામમાં પટેલ પરિવારો વચ્ચે કોઈક કારણોસર માથાકૂટ, એક શખ્સને માર મારી બચકું ભરતા ઇજા

મારામારી દરમિયાન ભોગ બનનારનું ગળું પકડી મારી નાખવાનો પ્રયાસ કર્યો:ભોગ બનનારે ગળામાં પહેરેલ સોનાની ચેઇન અને ૨૦.૦૦૦ રૂપિયા રોકડા મારામારી દરમિયાન ખોવાઈ ગયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામમાં પટેલ પરિવારો વચ્ચે માથાકૂટ થયા બાદ એક શખ્સને માર મારી બચકું ભરી ગળું પકડી મારી નાખવાની કોશિશ કરતા રાજપીપળા સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા
  પ્રાપ્ત વિગતો અનુસાર નાવરા ગામમાં રહેતા રંકિતભાઈ રમેશભાઈ પટેલ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ ૯.૫.૨૪ની રાત્રે લગભગ નવેક વાગે પોતાના ઘરે જમતા હતા ત્યારે ગામના પરેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ એ તેમને ફોન કરીને નીચે આવવા જણાવ્યું હતું, તેઓ જમી ને નીચે ગયા ત્યારે ત્યાં પરેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ સાથે કૌશિકભાઈ  જશુભાઇ પટેલ, જીગ્નેશભાઈ બેચરભાઈ પટેલ અને રિતેશભાઈ કાંતિભાઈ પટેલ નાઓ ઊભા હતા અને રંકિતભાઈ ત્યાં પહોંચતા જ આ ચારેય વ્યક્તિઓ ગમે તેમ ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુંનો માર મારેલ ત્યારબાદ પરેશભાઈ પટેલે તેમને હાથે બચકું ભરી ઇજા પહોંચાડી અને ગળા માંથી પકડી મારી નાંખવાની પ્રયાસ કર્યો હતો જેથી ગંભરાયેલા રંકિત ભાઈ ત્યાંથી ભાગી ગયા અને આમલેથા પોલીસ મથકે પહોંચી આ બાબતની જાણ કરી.ત્યાંથી રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ થયા હતા. આ ઝપાઝપી દરમિયાન તેમના ગળા માં પહેરેલ સોનાની ચેઇન તૂટી ક્યાંક પડી ગયેલ અને તેમના ખિસ્સા માં મુકેલા રૂ.૨૦.૦૦૦ રોકડા પણ ગાયબ છે. આમ કોઈક કારણોસર થયેલી આ મારમારી બાબતે આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:00 PM IST)