<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

અમદાવાદમાં આઈપીએલ જેવી જમાવટ જામશે

છ ટીમ વચ્ચે T-૨૦ ટુર્નામેન્ટ યોજાશેઃઆગામી ૧૯મે થી ૨ જૂન દરમ્યાન એસ.જી.વી.પી.છારોડી ગ્રાઉન્ડ પર રોજ સાંજે ૪ અને ૭.૩૦ થી એમ બે મેચ રમાશે.

અમદાવાદ,તા.૧૪

ગુજરાતના રણજી ટ્રોફી ખેલાડીઓ, ગુજરાતની ટીમના અંડર-૨૨ ખેલાડીઓઅને અન્ય યુવા પ્રતિભા ક્રિકેટરોને આઈ.પી.એલ. પ્રકારનું પ્લેટફોર્મ આપતી ટી-૨૦ લીગનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૯મે થી ૨ જૂન દરમ્યાન એસ.જી.વી.પી.છારોડી ગ્રાઉન્ડ પર રોજ સાંજે ૪ અને ૭.૩૦ થી એમ બે મેચ રમાશે.લીગમાં છ ટીમ ભાગ લેશે.ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા રમાડાનાર આ ટુર્નામેન્ટની માહિતી આપતા રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે આઈ.પી.એલ.નું ફોર્મેટ ભારતીય ક્રિકેટમાં ખાસ કરીને યુવા ક્રિકેટરો માટે કારકિર્દી અને કમાણીની રીતે અનેરી તક ઊભી કરનારું સાબિત થયું છે ત્યારે અમદાવાદના અને વિશેષ કરીને રણજી અને અંડર-૨૨ સહિતના ખેલાડીઓને આવી ટૂર્નામેન્ટનો લાભ મળે અને આઈ.પી.એલ. ધોરણે તેઓની પ્રતિભા બહાર લાવવાની તક મળે તેવો વિચાર અમારી સમક્ષ મુકાયો અને તેને અમે યોજાવાની તૈયારી બતાવી.

આ ટૂર્નામેન્ટનો મૂળ વિચાર જેમને આવ્યો તેવા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને સાંસદ નરહરિ અમીન આ લીગને ગ્રાઉન્ડ લેવલ પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

તેમણે આ લીગને લોન્ચ કરતાં કાર્યક્રમમાં કહ્યું કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સાથ વગર આ લીગ શક્ય ન બની હોત તેઓ અમારો ઉમદા વિચાર સમજી શક્યા જેમાં ગુજરાતની ટીમના અને શહેરના ખેલાડીઓનું હિત સમાયેલું છે. ગુજરાતના ટી-૨૦ ખેલાડીઓના ભાવિ ઘડવામાં લીગ મહત્વની ભૂમિકા ભજવશે.

વિજેતા ટીમને રૃ.પાંચ લાખ, રનર અપને રૃ. ૨.૫૦ લાખ અપાશે. પ્રત્યેક મેચના પ્લેયર ઓફ ધ મેચ, લીગમાં સૌથી વધુ રન બનાવનાર અને વિકેટ લેનાર જેવા ઈનામો રખાયા છે.

આયોજક સમિતિના કિરાટ દામાણી અને ટુર્નામેન્ટ ડાયરેકટર હિતેશ પટેલે (પોચી) ફોર્મેટ અંગે માહિતી આપી હતી. લીગની છ ટીમ સમાન તાકાત ધરાવે તે રીતે બનાવતા ૧૦૦ ખેલાડીઓને વહેંચવામાં આવ્યા છે. લીગને બી.સી.સી.આઈ. માન્ય કોચ અને અમ્પાયરનો લાભ પણ મળશે.

(7:47 PM IST)