તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ભારે પવન સાથે વરસાદ પડતાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ખેતી ને મોટું નુકશાન : અનેક વૃક્ષો ધરસાઈ
ધરતીપુત્રોના ઉભા પાકને નુકશાન થતા સરકાર પાસે વળતરની અપેક્ષા:કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપનીના લાઈન મેનો આખીરાત કામ કરતા રહ્યા: એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું પણ સતત નિરીક્ષણ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં સોમવારે ભારે વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવતા ઠેર ઠેર વૃક્ષ તૂટી પડ્યા હતા અને કેળા સહિતના ઊભા પાકને ભારે નુકશાન થયું છે,તેમજ કલાકો સુધી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો
સાંજે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા આ કમોસમી વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું સાથે સાથે નાંદોદ તાલુકા સહિત અનેક તાલુકાઓમાં કેળા અને અન્ય ઊભા પાકને ભારે નુકશાન થતા ધરતી પુત્રો નિરાશ થયા હતા.અને સરકાર વળતર આપે તેવી આશા સેવી રહ્યા છે.બીજી બાજુ રાજપીપળા માં લાલ ટાવર,નવદુર્ગા હાઈસ્કૂલ સહિત ની અનેક જગ્યાઓ પર ઝાડ અને ડાળ પડવાની ઘટના બનતા કેટલાક વિસ્તારોમાં ચાર પાંચ કલાક લાઈટ બંધ રહેતા લોકો કંટાળી ગયા હતા જ્યારે અમુક વિસ્તારોમાં તો આખી રાત લાઈટ આવી ન હતી.જોકે અનેક જગ્યા પર ઝાડ તૂટતાં વીજ કંપની ના લાઇનમેનો
આખી રાત કામ કરતા હતા અને આજે સવારે પણ બાકી રહેલા કામમાં પોરવાયા હતા.સાથે સાથે મોડી રાત સુધી વીજ કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચ.ટી. પ્રજાપતિ પણ રાત્રી દરમિયાન કામ કરી રહેલા લાઇનમેનો સાથે સતત સંપર્ક માં રહી ફોલોપ લેતા રહ્યા અને ગ્રામજનો ને વહેલીતકે વીજ પુરવઠો મળે તે માટેના તમામ પ્રયાસો તેમણે કર્યા હતા.આ કમોસમી વરસાદ માં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી પરંતુ ભૂછાડ ગામમાં એક ઝાડ પર વીજળી પડી જેમાં આખું ઝાડ બળી ગયું હતું.
વરસાદના આંકડા પર નજર કરીએ તો નર્મદા જિલ્લામાં સોમવારે સવારે ૬ વાગ્યા થી મંગળવારે સવારે ૬ વાગ્યા સુધીમાં નાંદોદ તાલુકા -૨૪ મી.મી. , ડેડીયાપાડા તાલુકા માં.- ૦૭ મી.મી., સાગબારા તાલુકામાં .- ૦૦, તિલકવાડા તાલુકામાં - ૩૨ મી.મી. અને ગરુડેશ્વર તાલુકા માં - ૪૩ મી.મી.વરસાદ નોંધાયો હતો
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
