<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

પરિણામ સુધારવા તક :ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવવા શરૂ : 17મીથી સ્કૂલમાંથી માર્કશીટ વિતરણ થશે

આગામી 21 મેના સાંજના પાંચ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે

અમદાવાદ:ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામને સુધારવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકે છે. જે અંતર્ગત પૂરક પરિક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે. આગામી 21 મેના સાંજના પાંચ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. બીજી બાજુ, ધોરણ 12 સાયન્સની માર્કશીટનું 17મેથી સ્કૂલમાંથી વિતરણ થશે. ગુજકેટની માર્કશીટ પણ સ્કૂલમાંથી મળશે. બોર્ડ દ્વારા 16 મેના રોજ માર્કશીટ સ્કૂલને પહોંચાડવામાં આવશે. ગત 9 મેના રોજ બોર્ડ દ્વારા ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને આ વખતે ધોરણ 12 સાયન્સનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. જોકે આ પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહ્યા હોય કે પછી એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા હોય તેઓ માટે માર્કશીટમાં સુધારણાને અવકાશ છે. જે વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ વર્ષ 2024ની પુરક પરીક્ષા આપી શકે છે. પોતાના પરિણામને સુધારવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ  પણ ધોરણ 12 સાયન્સની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પૂરક 2024 આપી શકે છે. પુરક પરીક્ષાનુ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે.

  આ પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન કરવાની રહેશે. પરીક્ષાનું ફોર્મ તેમજ ફી 14 મે સાંજે 4 વાગ્યાથી 21 મે સાંજે પાંચ વાગ્યા સુધી ઓનલાઈન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર દ્વારા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો જે તે વિષયના પરીક્ષા આપવા ઈચ્છતા હોય તે ફોર્મ ઓનલાઈન સબમીટ કરવું ફરજીયાત છે. આવા ઉમેદવારોએ કન્યા કે દિવ્યાંગ ઉમેદવારના સીટ નંબર સામે ટીકમાર્ક કરી રજીસ્ટ્રેશન કરવું. જે ઉમેદવારોએ ટીકમાર્ક નહીં કર્યું હોય તે ઉમેદવારો પુરક પરીક્ષા આપી શકશે નહીં.

   આ વખતે બોર્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે. જે મુજબ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી આખે આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં, આ બંને પરિણામમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે. સાથે ધોરણ 12 બાદ કરિયરને લગતા કોર્સમાં કે ACPCના કોર્સમાં પણ કે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.


 

(10:49 PM IST)