<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

વેસ્ટના નિકાલ માટે બારોબાર પાઈપલાઈન ખોદી નાખતા ૨૫ લાખનો દંડ ફટકાર્યો

વટવામાં પ્રદૂષણ માફિયા સામે GPCBની લાલ આંખઃકંપનીએ કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી મેળવ્યા વિના AMC, પોલીસ અને GPCBને જાણે ખુલ્લો પડકાર ફેંકતી હોય તેમ બારોબાર પાઈપલાઈન ખોદી નાખી

અમદાવાદ,તા.૧૬

અમદાવાદમાં વટવા GIDC વિસ્તારમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે. કેમિકલ વેસ્ટના નિકાલ માટે બારોબાર દોઢ કિલોમીટરની કોઈની પણ પરવાનગી કે મંજૂરી મેળવ્યા વિના દોઢ કિલોમીટરની પાઈપલાઈન ખોદી નાખતા GPCBએ ૨૫ લાખનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદના વટવામાં આવેલા GIDC વિસ્તારમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. કેમિકલ વેસ્ટના નિકાલ કરવા માટે GIDC ફેઝ-૨માં આવેલી ડાય-ઓ-કેમ કંપનીએ બારોબાર દોઢ કિલોમીટરની પાઈપલાઈન ખોદી નાખી કેમિકલ વેસ્ટ નજીકમાં આવેલી કેનાલમાં ઠલવવામાં આવતો હતો. ગેરકાયદે રીતે કલર અને ડાય બનાવતી કંપનીએ કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી મેળવ્યા વિના AMC, પોલીસ અને GPCBને જાણે ખુલ્લો પડકાર ફેંકતી હોય તેમ બારોબાર પાઈપલાઈન ખોદી નાખી.

સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થનારા લોકો માટે પોતાનું નાક અને મોં ઢાંક્યા વિના પસાર થઈ શક્તા નથી. એટલી હદે તીવ્ર માત્રામાં અહીંથી કેમિકલનું પ્રોડક્શન ચાલતુ હોય છે. તેના કારણે સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર વટવામાં આવેલી આ ડાય-ઓ-કેમ કંપની જ નહીં આવી અનેક કંપનીઝ આવેલી છે જે ગેરકાયદે કેમિકલ વેસ્ટ કરે છે. પરંતુ પકડાઈ નથી. હાલ તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના ધ્યાને આ બાબત આવતા જ તેમણે તપાસ આદરી હતી અને ૮ દિવસની તપાસ બાદ GPCBએ વટવા GIDC ફેઝ-૨ માં આવેલી ડાય- ઓ – કેમ કંપની પર કાર્યવાહી કરતા ૨૫ લાખનો દંડ ફટકાર્યો છે. કંપની સામે દંડનિય કાર્યવાહીની સાથોસાથ ક્લોઝર નોટિસ અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

(9:41 PM IST)