<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને ભારે નુકસાન: સર્વેની કામગીરી પુરજોશમાં: કાલ સુધીમાં સોંપાશે રિપોર્ટ

નુકસાનીના આધારે ખેડૂતોને વળતર ચૂકવાશે :33%થી વધુ નુકસાની હશે ત્યાં જ સહાયની જોગવાઈ અનુસાર વળતર ચૂકવવામાં આવશે

અમદાવાદ : રાજ્યભરમાં કમોસમી વરસાદ થતાં જગતના તાતની ચિંતા વધી છે. ગઈકાલે પણ વિવિધ જિલ્લા, તાલુકા અને ગામડાંઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરા અને વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકો અને ઊભા પાક નષ્ટ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જ્યાં-જ્યાં વરસાદ પડ્યો છે તે જિલ્લામાં કૃષિ પાકના સર્વેની કામગીરી કરવા કૃષિ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ તારીખ 17મી સુધીમાં કરવા મંત્રી કક્ષાએથી આદેશ થયા છે.

   રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ  પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 10 મિ.મી.થી 50 મિ.મી વરસાદ નોંધાયો છે, ત્યારે બાગાયતી પાક અને ખેતીના પાકોને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યો છે. આ માટે તમામ જિલ્લાના કૃષિ તંત્રને કામે લગાડવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં પાકના નુકસાનીનો સર્વે કરવામાં આવશે. નુકસાનીના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. જેમાં 33%થી વધુ નુકસાની હશે ત્યાં જ સહાયની જોગવાઈ અનુસાર વળતર ચૂકવવામાં આવશે. આ માટે તમામ જિલ્લા વહીવટી તંત્રને નુકસાનીની તપાસ કરી અને અહેવાલ આપવા જણાવાયું છે.

   કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટાપાયે નુકસાન થયું છે. આ વરસાદના કારણે કેળા, પપૈયા, કેરી, ઉનાળું બાજરી, જુવાર, ચીકુ,  ઘાસચારાને વ્યાપક નુકસાન થયું છે. કેટલાક જિલ્લામાં હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયું હતું, કમોસમી વરસાદના કારણે જે જમીન દોસ્ત થઈ ગયા છે અને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને પગલે કૃષિ વિભાગે જરુરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે.


 

(10:41 PM IST)