News of Friday, 17th May 2024
પોઇચા ખાતે સાત સભ્યો નદીમાં ડૂબ્યા બાદ બે દિવસે કુલ ૬ મૃતકોના મૃતદેહ મળ્યા : હજુ ૭ વર્ષીય આર્યન લાપતા
ભાવેશ વલ્લભભાઈ કાતરિયા અને ભાર્ગવ અશોકભાઈ હડિયા તથા વ્રજ હિંમતભાઈ બલદાણીયા નામના ત્રણ બાળકોના મૃતદેહ બુધવારે મળી આવ્યા, બાકી ત્રણ મૃતકોના મૃતદેહ ગુરુવારે મળી આવ્યા, અને એક ૭ વર્ષીય બાળક હજુ લાપતા

(ભરત શાહ દ્વારારાજપીપળા: નર્મદા જિલ્લાના પોઇચા ખાતે આવેલી નર્મદા નદીમાં મંગળવારે સ્નાન કરવા ગયેલા સુરતના એકજ પરિવારના સાત વ્યક્તિઓ નર્મદા નદીમાં ડૂબી ગયા બાદ ઘણી શોધખોળ કરવા છતાં સાંજ સુધી મળ્યા ન હતા ત્યારબાદ આ લોકોને શોધવા રાજપીપળા નગરપાલિકા ફાયર ટીમ, એનડીઆરએફ, વડોદરા ટીમ, કરજણ ફાયર ટીમ, ભરૂચ ફાયર ટીમ બોલાવવામાં આવી હતી તથા સ્થાનીક તરવૈયાઓ પણ ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ કરી રહ્યા હતા. અને આ ટીમે બુધવારે સવારે એક બાળકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો ત્યારબાદ સાંજે અન્ય એક બાળક નો મૃતદેહ શોધી કાઢ્યો જેમાં ભાવેશ વલ્લભભાઈ કાતરિયા ઉવ.૧૫ બુધવારે સવારે આઠ વાગે પોઇચા પુલ પાસે નર્મદા નદીમાંથી મૃતદેહ મળ્યો હતો તેમજ ભાર્ગવ અશોકભાઈ હડિયા ઉવ.૧૫ નો મૃતદેહ બપોરે ચાર વાગ્યાના સુમારે બદ્રિકા આશ્રમના નર્મદા કિનારા પાસે થી રાજપીપળા ફાયરની ટીમને મળ્યો હતો તથા વ્રજ હિંમતભાઈ બલદાણીયા ઉવ.૧૧ નો મૃતદેહ બરોડા ફાયર ફાઈટર દ્વારા સાંજે ૬:૩૦ કલાકે બદ્રિકા આશ્રમ નર્મદા કિનારા પાસેથી મળી આવ્યો હતો. ત્રણ બાળકોના મૃતદેહ મળતા તેને પીએમ માટે મોકલી અપાયા હતા જ્યારે બીજા ત્રણ બાળકો અને એક પુરુષ ની શોધખોળ બુધવારે મોડી રાત્રી સુધી કરવામાં આવી રહી હતી. પરંતુ રેસ્ક્યુ ટીમોને સફળતા મળી ન હતી
અને અઆજે ગુરૂવાર તારીખ ૧૬ ના રોજ તમામ રેસ્ક્યુ ટીમો વહેલી સવારથી ડૂબેલા ત્રણ બાળક અને એક પુરુષની શોધખોળમાં લાગી હતી. જેમાં સવારે ૯:૨૦ વાગ્યે મૈત્રવ ભરતભાઈ બલદાણીયા ઉવ.૧૫ નો મૃતદેહ એનડીઆરએફ ની ટીમને રંગસેતુ પુલ પાસેથી મળી આવ્યો હતો ત્યારબાદ બપોરે ૨:૨૦ કલાકે આર્નવ ભરતભાઈ બલદાણીયા ઉવ.૧૨ નો મૃતદેહ રાજપીપળા ફાયર ની ટીમને સુખદેવ વ્યાસ બેટ ની આગળના નર્મદા કિનારે થી મળી આવ્યો હતો. જ્યારે બપોરે ૨:૫૨ કલાકે રંગસેતુ પુલ પાસેથી ભરતભાઈ મેઘાભાઈ બલદાણીયા ઉવ.૪૫ નો મૃતદેહ રાજપીપળા ફાયર ની ટીમને મળી આવ્યો હતો. હજુ ૭ વર્ષીય આર્યન રાજુભાઈ જીંજાળા લાપતા છે જેને તમામ રેસ્ક્યુ ટીમો શોધી રહી છે.
આ દુર્ઘટના બન્યાને ત્રણ દિવસે કુલ ૬ મૃતકોના મૃતદેહો રાજપીપળા ફાયર ટીમ, એનડીઆરએફ, વડોદરા ફાયર ટીમ, કરજણ ફાયર ટીમ, ભરૂચ ફાયર ટીમ ના સંયુક્ત પ્રયાસો થી શોધી કાઢવામાં આવ્યા છે.તથા ૭ વર્ષીય આર્યન રાજુભાઈ જીંજાળાની શોધખોળ ચાલુ છે.
તારીખ ૧૫ ના રોજ બરોડા ફાયર ફાઈટરો દ્વારા બદ્રિકા આશ્રમ નર્મદા કિનારા પાસે બરોડા ફાયરની ટીમે વ્રજ હિંમતભાઈ બલદાણીયાનો મૃતદેહ જોયો જેથી તાત્કાલિક તેઓ મૃતદેહ પાસે ગયા ત્યારે મૃતદેહની થોડાક જ અંતરે એક વિશાળ કાય મગર હતો છતાં બરોડા ફાયર ફાઈટરો જીવના જોખમે વ્રજના મૃતદેહને રેસ્કયુ કરવામાં સફળ રહ્યા હતા.
મૃતકના પરિવારજનો તથા સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે એક જ માંગણી છે કે, તંત્ર દ્વારા પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓ માટે જ્યાં જ્યાં નર્મદા કિનારે ઊંડાણ વાળી જગ્યા છે ત્યાં સાવચેતીના બોર્ડ લગાવે તથા મગરથી ખતરો હોય તેવા બોર્ડ પણ લગાવે જેથી બહાર થી આવનાર પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સાવચેતીથી સ્નાન કરી શકે અને ફરીવાર કોઈ આવી ઝોઝારી દુર્ઘટના ન બને તેવી તંત્ર પાસે માંગણી કરી છે.
ભૂતકાળ માં ૧૬/૧૧/૨૦૧૯ ના રોજ સુરતના જોષી પરિવારના ત્રણ કુલ દીપકો પોઇચા નર્મદા નદીમાં ડૂબતા મૃત્યુ પામ્યા હતા તે દુર્ઘટના બન્યા બાદ તંત્ર દ્વારા નર્મદા નદીમાં ઊંડાણ વાળા વિસ્તારમાં સાવચેતીના બોર્ડ તથા ડેંજર ઝોનના બોર્ડ લગાવવાની ખાતરી અપાઈ હતી એ વાતને પાંચ વર્ષ વીતી ગયા છતાં પણ પોઇચા ખાતે આવેલ નર્મદા નદી પર તંત્ર દ્વારા એક પણ સાવધાની નું બોર્ડ મૂકવામાં આવ્યું નથી અને હજુપણ પોઇચા નર્મદામાં લોકોના ડૂબવાની ઘટનાઓ બને છે, આ તંત્રની બેદરકારી નથી તો શું છે? તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યા હોત તો કેટલાય લોકોના જીવ બચી ગયા હોત. અને હાલની આ દુઃખદ ઘટના પણ ન બની હોત.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
