News of Friday, 17th May 2024
ગુજરાતમાં ખેડૂતોના માથે ૮૨,૭૫૩ કરોડની બેંક લોન બાકી
દેશના તમામ રાજયોના ખેડૂતોએ કોમર્શિયલ બેંકો પાસેથી ૧૯.૦૭ લાખ કરોડની લોન મેળવી : દેશમાં સૌથી વધુ રૂ. ૨,૮૮,૯૯૦ કરોડની બેંક લોન તામિલનાડુના ખેડૂતોએ લીધી છે

નવી દિલ્હી,તા. ૧૭: ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે. અનેક રાજયો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણી ઉઠતી રહી છે. આ માટે આંદોલનો પણ થતાં રહ્યાં છે. સામાન્ય રીતે, ખેડૂતો બિયારણ-રાસાયણિક ખાતરની ખરીદી સહિતના વિવિધ કારણોસર દર વર્ષે અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો-કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો, બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે. એટલે દર વર્ષે ખેડૂતોના દેવામાફીની માગણી ઉઠવા પામે છે. ભારત સરકારની માહિતી દેશના તમામ રાજયોના ખેડૂતોએ શિડ્યૂલ કોમર્શિયલ બેંકોમાંથી કુલ ૧૯,૦૭,૪૪૪ કરોડની લોન લીધી છે અર્થાત દેશના ખેડૂતોને માથે રૂ. ૧૯.૦૭ લાખ કરોડનું બેંક દેવું છે. જેમાંથી ગુજરાતના લાખો ખેડૂતોએ પણ કુલ ૮૨,૭૫૩ કરોડની લોન લીધી છે. એનો અર્થ પણ એ થાય કે, ગુજરાતના ખેડૂતોને માથે પણ રૂ. ૮૨,૭૫૩ કરોડનું દેવું છે.
દેશમાં સૌથી વધુ રૂ. ૨,૮૮,૯૯૦ કરોડની બેંક લોન તામિલનાડુના ખેડૂતોએ લીધી છે. જયારે દેશમાં બીજા ક્રમે રૂ. ૨,૦૮,૪૧૮ કરોડની લોન આંધ્રપ્રદેશના ખેડૂતોએ, ત્રીજા નંબરે રૂ. ૧,૯૧,૩૬૫ કરોડની લોન ઉત્તરપ્રદેશના ખેડૂતોએ મેળવી છે. ગુજરાતના સંદર્ભમાં છેલ્લા એક દસકાની વાત કરીએ તો ગત ૨૦૧૫ના વર્ષમાં ગુજરાતના ખેડૂતોને માથે કુલ ૩૪,૧૦૦ કરોડની બેંક લોન કે દેવું હતું. જે ૧૦ વર્ષ બાદ ૨૦૨૩ના વર્ષમાં વધીને ૮૨,૭૫૩ કરોડ જેટલું થઈ ગયું છે. એટલે કે, આ એક દસકામાં ૪૮,૬૫૩ કરોડનો વધારો થયો છે. એવી જ રીતે, દેશના તમામ ખેડૂતોને માથે એક દાયકા અગાઉ વર્ષ ૨૦૧૪માં ૮,૪૧,૮૦૦ કરોડની લોન હતી. જે ૧૦ વર્ષ એટલે વર્ષ ૨૦૨૩ સુધીમાં ૧૯,૦૭,૪૪૪ કરોડની થઈ ગઈ છે. જે આ છેલ્લા એક દાયકા દરમિયાન ખેડૂતોની બેંક લોન કે દેવામાં ૧૦,૬૫,૬૪૪ કરોડની થઈ ગઈ છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
