News of Friday, 17th May 2024
અમદાવાદમાં મકાનોના ભાવમાં ૧૩ ટકા વધારો
દેશના ટોચના આઠ શહેરોમાં તો પણ સસ્તુ છે અમદાવાદ સૌથી મોંઘુ છે બેંગ્લોર અને ત્યારબાદ દિલ્હી એનસીઆર

અમદાવાદ તા. ૧૭ : અમદાવાદની હાઉસિંગ પ્રોપર્ટીના ભાવમાં ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૩%નો વધારો નોંધાયો છે. ક્રેડાઈ, કોલિયર્સ અને લાયસેસ ફોરાસના અહેવાલ મુજબ, અમદાવાદમાં રહેણાંક મિલકતના ભાવ ૨૦૨૪ા પહેલા ત્રિમાસીકમાં પ્રતિ ચોરસ ફૂટ કાર્પેટ વિસ્તાર દીઠ રૂ. ૭,૧૭૬ના સ્તરે પહોંચી ગયા છે. જે ૨૦૨૩ની તુલનામાં ૧૩% વધુ છે.
૨૦૧૯થી અમદાવાદની હાઉસિંગ પ્રોપર્ટીના ભાવમાં ૩૪%નો વધારો થયો છે, અને શહેર દેશના ટોચના ૮ શહેરોમાં ભાવ વધારાના સંદર્ભમાં ચોથા ક્રમે છે.
નિષ્ણાતો માને છે કે અમદાવાદ રોજગાર અને શિક્ષણના હબ તરીકે ઉભરી આવ્યું છે. ઓલિમ્પિક ગેમ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની શક્યતાઓ સાથે દેશભરમાંથી લોકો અમદાવાદ અને ગિફટ સિટીમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે.
હાઉસિંગ પ્રાઇસ ટ્રેકરએ અહેવાલમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં, રહેણાંકની માંગમાં વધારાને કારણે, ખાસ કરીને મધ્ય-સેગમેન્ટમાં, હાઉસિંગના ભાવમાં વર્ષ-દર-વર્ષે ૧૩% વધારો થયો છે, ‘અમદાવાદ મેટ્રો ફેઝ ૨ જેવા આગામી માળખાકીય વિકાસ સાથે, શહેરમાં ગાંધીનગર ઉપનગરની આસપાસના વિસ્તારોમાં રહેણાંક પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે. સિટી સેન્ટ્રલ વેસ્ટ અને ઇસ્ટર્ન સબર્બ માઇક્રો-માર્કેટમાં અનુક્રમે સૌથી વધુ વાર્ષિક ભાવ ૨૬% અને ૧૨% જોવા મળ્યો હતો. ન વેચાયેલી ઇન્વેન્ટરીમાં વાર્ષિક ૮%નો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસીક સુધીમાં, ૬૪% પર, ન વેચાયેલા એકમોનો મોટો હિસ્સો એફોર્ડેબલ અને મિડ-સેગમેન્ટમાં રહેવાનું ચાલુ રાખ્યું હતું.'
ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોવા મળ્યું છે અને તેનાથી લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે. અમદાવાદ રાજયના રોજગાર સર્જન હબ તરીકે ઉભરી આવ્યું છે અને રાજયભરમાંથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. તેમજ ગિફટ સિટી અને ઓલિમ્પિક ગેમ્સની શક્યતાઓને કારણે અન્ય રાજયોના લોકોએ પણ અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કર્યું છે. આ ભાવ વધારા પછી પણ, અમદાવાદ દેશના ટોચના ૮ શહેરોમાં સૌથી સસ્તું છે, તેથી માંગ ચાલુ રહેશે.'
૨૦૨૪ દરમિયાન ભારતમાં રહેઠાણની સરેરાશ કિંમતો વાર્ષિક ધોરણે ૧૦% વધીને રૂ. ૧૦,૪૮૫ પ્રતિ ચોરસ ફૂટ હતી. તમામ આઠ શહેરોમાં આવાસની કિંમતોમાં વાર્ષિક વધારો જોવા મળ્યો હતો, જેમાં બેંગલુરૂમાં દર વર્ષે સૌથી વધુ ૧૯%નો વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ દિલ્હી એનસીઆર ૧૬% દરવર્ષે છે.
જયારે ન વેચાયેલી ઇન્વેન્ટરી વાર્ષિક ધોરણે ૩% વિસ્તરતી હતી, ત્યારે મજબૂત માંગ વેગને કારણે ત્રિમાસિક ધોરણે ન વેચાયેલી ઇન્વેન્ટરીમાં થોડો ઘટાડો થયો હતો.
પુણેમાં દર વર્ષે ૧૦%ના દરે ન વેચાયેલી ઇન્વેન્ટરીમાં સૌથી વધુ વાર્ષિક ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ દિલ્હી એનસીઆર અને અમદાવાદમાં ૮% દર વર્ષનો ઘટાડો જોવા મળ્યો હતો.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
