<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

વડતાલમાં કરોડો રૂપિયાના ખર્ચે 38800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં બની રહયું છે રાજમહેલ જેવું અક્ષર ભવન મ્યુઝિયમ

સ્વામિનારાયણ ભગવાનની 5000 પ્રસાદીમય વસ્તુઓ પ્રદર્શિત કરાશે: અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્વની ભૂમિકા ભજવશે

અમદાવાદ : વિશ્વમૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થળ વડતાલ ધામ ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરાને પોષણ આપતું તીર્થસ્થળ છે. જ્યાં બિરાજમાન અતિપ્રતાપિ શ્રીહરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ દેવમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા રહેલી છે. આ એક જ એવું સ્થળ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના હસ્તે આ દેવોને પ્રતિષ્ઠિત કર્યા છે અને પોતાનું દૈવત્વ આ મૂર્તિઓમાં પ્રસ્થાપિત કર્યું છે. આ મંદિરના નિર્માણમાં સ્વયં ભગવાને પોતે ઇંટો ઉપાડેલી છે. આ લક્ષ્મીજીની તપોસ્થલી મનાતા વડતાલધામમાં ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રી ગ્રંથની રચના કરી અને સંપ્રદાયના ઉજ્જ્વળ ભવિષ્ય તથા વ્યાવહારિક વ્યવસ્થા જાળવવા આચાર્ય પદની સ્થાપના પણ અહીંયા જ કરેલી છે. એવી પુણ્યશાળી ધરા પર ફરી એકવાર ભવ્ય, દિવ્ય અને અલૌકિક અક્ષરભુવન – ધી સ્વામિનારાયણ મ્યુઝિયમ એન્ડ એક્સિબ્યુશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

વડતાલ ધામ દ્વારા અનેક ઐતિહાસિક કાર્યો થયા છે. ફરી એકવાર વડતાલ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં ગોમતી સરોવરના કિનારે 38800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ "અક્ષરભુવન" સાકાર થવા જઈ રહ્યું છે.
વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતીક રહ્યું છે. અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્વની ભૂમિકા ભજવશે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થસ્થાન છે. જે સનાતન સંસ્કૃતિના સંવર્ધન અને સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવે છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત અહીં આવ્યા હતા. તેથી, ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દૃશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિકજગતની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવશે.

(11:48 PM IST)