News of Sunday, 19th May 2024
ગોરવા અને દંતેશ્વર વિસ્તારમાં વીજ વાયરોમાં આગ લાગતા લોકોમાં દહેશત
અસહ્ય ગરમીમાં વીજ લોડ વધી રહ્યો હોવાથી વીજળી ગુલ થવાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે

વડોદરા,તા.૧૯, : વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરોના વિરોધ વચ્ચે અસહ્ય ગરમીમાં વીજ લોડ વધી રહ્યો હોવાથી વીજળી ગુલ થવાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમાં પણ હવે તો વીજ વાયરો બળી જવાની ઘટનાઓ વધી રહી છે.
શહેરના ગોરવા અને દંતેશ્વર વિસ્તારમાં શુક્રવારની રાતે દારુખાનુ ફૂટતુ હોય તે રીતે વીજ વાયરો પર તણખા ઝર્યા હતા અને વાયરો બળીને નીચે પડયા હતા.
મળતી વિગતો પ્રમાણે ગોરવા વિસ્તારના હાઉસિંગ બોર્ડના રણછોડરાય નગર અને અણમોલ નગરમાં છેલ્લા પંદર દિવસથી રોજ વીજ વાયરોમાં તણખા ઝરતા હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. લોકોએ કહ્યું હતું કે, રોજ વાયરો બળી રહ્યા છે અને વીજ કંપનીની કચેરીમાં કરેલી રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી. જો વાયરો બળતા હોય અને ધડાકા થતા હોય તે વખતે કોઈ નીચેથી પસાર થયુ તો હોનારત પણ સર્જાઈ શકે છે. અમે રજૂઆત કરીએ છે અને વીજ કંપનીના કર્મચારીઓ ટેપ મારીને જતા રહે છે. રોજ રાત્રે સોસાયટીના લોકો ઉજાગરા કરે છે. સ્થાનિક વ્યક્તિઓના કહેવા પ્રમાણે સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં ખુલ્લા વાયરો દેખાય છે. નેતાઓનુ પણ અમે ધ્યાન દોર્યુ છે પણ અમારી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
બીજી તરફ દંતેશ્વર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીની પાસે પણ શુક્રવારની મોડી રાતે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી નીકળતો વીજ વાયર બળીને નીચે પડયો હતો. સ્થાનિક વ્યક્તિએ કહ્યું હતું કે, આ સમયે થોડે દૂર કેટલાક યુવાનો બેઠા હતા. સદભાગ્યે તેમનો બચાવ થયો હતો. ગુરુવારે પણ વાયર બળ્યો હતો અને વીજ કંપનીના કર્મચારીઓ નવો વાયર નાંખીને ગયા હતા પણ શુક્રવારે ફરી વાયરમાં આગ લાગી હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
