News of Sunday, 19th May 2024
રૂપિયાનો વરસાદ કરાવવા વિધિના નામે ધુતારાએ શીશામાં ઉતાર્યા : રૂ.4.31 લાખ ખંખેરી લીધા: મારી નાખવાની ધમકી આપી
- સરખેજના મકાનનો રૂમ 72 કરોડથી ભરાઇ ગયો છે તેમ કહી શાહઆલમ દરગાહે બોલાવીને 25 હજાર લીધા: દાનાભાઇએ રૂપિયા બતાવવાની વાત કરતા હાલ મારો દેવ રૂમ ખોલવાની ના પાડે છે તેમ કહીને રવાના કર્યા

બાવળાના નાનોદરા ગામમાં રહેતા દાનાભાઇ સોનારાને વર્ષ 2022માં બાવળા બજારમાં મહેશ નામનો વ્યક્તિ મળ્યો હતો. થોડા દિવસ બાદ મહેશ દાનાભાઇના ઘરે આવ્યો હતો અને એક બાપુ વિધિ કરીને રૂપિયાનો વરસાદ કરતા હોવાનું દાનાભાઇને જણાવતા તેમણે આવી વિધિની મનાઇ કરાઇ હતી. જેથી મહેશે દાનાભાઇને તમારું ખાધું છે, તમારું ખોટું નહીં કરું, તમારા રૂપિયા નહીં બગડવા દઉં, તમારા ઘરે રૂપિયાનો ભંડાર કરી દઇશ તેવી લોભામણી વાતો કરીને વિશ્વાસ ઊભો કર્યો હતો
બીજા દિવસે દાનાભાઇના ઘરે મહેશ, બિસ્મીલાખાન ઉર્ફે બાપુ પઠાણ, કમલેશ અને એક ગાડીનો ડ્રાઇવર આવ્યા હતા. આ બિસ્મીલાખાન ઉર્ફે બાપુ પઠાણે દાનાભાઇના ઘરમાં રૂમાલ પાથરીને ગુલાબના ફુલ મૂકીને મંત્ર બોલીને રૂ.500ની ત્રણ નોટ મૂકીને ઘરમાંથી બધાને બહાર કાઢ્યા હતા અને મકાન બંધ કરીને ત્રણ દિવસ સુધી ન ખોલવાનું કહીને રૂ. 1.10 લાખ લીધા હતા. ત્રણ દિવસ બાદ દાનાભાઇએ ઘર ખોલીને જોતા તેમાંથી માત્ર રૂ. 500ની પાંચ નોટ મળતા તેમણે બિસ્મીલાખાન ઉર્ફે બાપુને ફોન કર્યો હતો. ત્યારે બાપુએ રૂ.1.10 લાખ મનથી ન આપ્યા હોવાથી કામ ન થયું હોવાનું કહેતા દાનાભાઇએ નાણાં પરત માંગ્યા હતા.
બાદમાં બાપુએ વધુ રૂ.1.25 લાખ માંગીને કામ કરી આપવાનું કહ્યું હતું. બાદમાં એક દિવસ બાપુએ દાનાભાઇને તેમના સરખેજના મકાનનો રૂમ 72 કરોડથી ભરાઇ ગયો છે તેમ કહીને શાહઆલમ દરગાહે બોલાવીને 25 હજાર લીધા હતા. દાનાભાઇએ રૂપિયા બતાવવાની વાત કરતા મહેશે હાલ મારો દેવ રૂમ ખોલવાની ના પાડે છે તેમ કહીને દાનાભાઇને ઘરે રવાના કર્યા હતા. આમ, આ ટોળકીએ વધુ નાણાં પડાવીને દાનાભાઇને અવાર નવાર તેમના ભાગના રૂપિયા આપવા બોલાવીને ચોઘડિયું સારું ન હોવાનું કહીને પરત મોકલી દેતા હતા. આમ, આરોપીએ દાનાભાઇ પાસેથી કુલ રૂ.4.31 લાખ ખંખેરીને છેતરપિંડી કરીને મારી નાખવાની ધમકી આપતા કેરાલા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
