News of Tuesday, 21st May 2024
માહિતી આયોગમાં ચાર કમિશનરોની જગ્યા ખાલીઃ ૫ ૦૦૦થી વધુ પેન્ડિંગ કેસ
અરજદારને આરટીઆઇની માહિતી ઝડપથી મળવાના સુપ્રીમ કોર્ટના આદેશનું દેખીતું ઉલ્લંઘન

અમદાવાદ,તા. ૨૧: છેલ્લા કેટલાક સમયથી આરટીઆઇ કરનારાને સરકારી વિભાગો અને સમગ્ર તંત્રમાંથી સંતોષકારક જવાબ નહીં મળતા હોવાની ફરિયાદો વધી છે. તો બીજી તરફ રાજય માહિતી આયોગમાં પાંચમાંથી ચાર કમિશનરોની જગ્યા પણ મહિનાઓથી ખાલી છે, જે ભરવામાં ન આવતા આયોગમાં પેન્ડિંગ કેસની સંખ્યા વધીને ૫૨૬૫ ઉપર પહોંચી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આયોગમાં કમિશનરોની ખાલી જગ્યા ભરવા માટે ઝડપી કાર્યવાહી કેમ થઇ રહી નથી તે સવાલ પણ ઉભા થયા છે.
સરકારી વિભાગો કે રાજયના સરકારી તંત્રમાંથી જરૂરી માહિતી લેવા માટે રાઇટ ટુ ઇન્ફર્મેશન અંતર્ગત અરજી થાય ત્યારે તેનો નિયત સમય મર્યાદામાં ઝડપથી જવાબ મળે તેમ સુપ્રીમ કોર્ટ નિર્દેશ કરેલો છે. હાલ માહિતી આયોગની સ્થિતિ એવી છે કે પાંચમાંથી ચાર કમિશનર તેમનો સમયગાળો પૂર્ણ થતા પદ પરથી નિવૃત થઇ ગયા છે અને એક જ કમિશનર કામગીરી સંભાળી રહ્યા છે. તેના કારણે ત્રણ મહિના પૂર્વે પેન્ડિંગ કેસની સંખ્યા ૪૬૩૩ હતી તે વધીને પાંચ હજાર ઉપર પહોંચી જવા પામી છે. તેના કારણે બીજી અપીલ કરનારાઓને મહિનાઓ સુધી સુનાવણીની રાહ જોવી પડે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જુલાઇ-૨૦૨૩થી તે સમયની ખાલી કમિશનરોની જગ્યા ભરવા કાર્યવાહી શરૂ થઇ હતી પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના કારણે હજુ સુધી જગ્યા ભરાઇ નથી.
માહિતી અધિકારના કાયદા હેઠળ મળેલી માહિતીનો યોગ્ય ઉપયોગ કરવા માગતા અરજદારોને સરકારી તંત્રમાંથી સમયસર માહિતી ન મળતા અને અપીલમાં પણ સમય લાગતા ઝડપી માહિતીનો મૂળ હેતુ પૂર્ણ થઇ રહ્યો નથી. તેના કારણે અરજદારો અને આરટીઆઇ કાર્યકરોમાં સરકારી વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ માટે ચિંતન શિબિર કે અન્ય રીતે રિફ્રેશર કોર્સ કરાવવામાં આવે તેવી માગણી પણ ઉઠી છે.
આરટીઆઇ એક્ટિવિસ્ટ અને માહિતી અધિકાર ગુજરાત પહેલના પંક્તિ જોગના કહેવા મુજબ કમિશનર ઓછા હોવાના કારણે પેન્ડિંગ કેસની સંખ્યા સતત વધતી જાય છે. પ્રથમ અપીલમાં ૬૦ દિવસ કરતા વધુ સમય જાય તે પછી બીજી અપીલમાં એક વર્ષ જેટલો સમયગાળો વ્યતીત થઇ જતા અરજદારને જે માહિતી સામાન્ય સંજોગોમાં ૩૦ દિવસમાં મળવી જોઇએ તેમાં મહિનાઓ થઇ રહ્યા છે. તેના કરતા પણ ગંભીર બાબત એ છે કે અરજદારોને છેલ્લા કેટલાક સમયથી વિભાગો દ્વારા આરટીઆઇ કરી હોય તેની યોગ્ય માહિતી મળી રહી નથી. માહિતી ભેગી કરવામાં સમય લાગશેથી લઇ તર્કસંગત ન હોય કે કાયદાકીય રીતે યોગ્ય ન હોય તેવા જવાબ સરકારી તંત્રમાંથી મળી રહ્યા છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
