News of Tuesday, 21st May 2024
કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર બને તો સૌરાષ્ટ્રમાંથી પૂનમબેન અને નીમુબેન અથવા ચૂડાસમાને મંત્રી પદ
પક્ષની બહુમતી અને ઉમેદવારની જીત પ્રાથમિક લાયકાત રૂપાલા - માંડવિયા વર્તમાન મંત્રી મંડળમાં છે : જો અને તો આધારિત ચર્ચા

રાજકોટ તા. ૨૧ : ભારતની લોકસભાની ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન ગઇકાલે થઇ ગયું છે. તા. ૨૫ મે એ છઠ્ઠો તબક્કો અને તા. ૧મેએ અંતિમ સાતમો તબક્કો પૂરો થાય પછી ૪ જૂને મત ગણતરી છે. ભાજપ - કોંગ્રેસે પોતાના ગઠબંધનની સરકાર બનવાના દાવા કર્યા છે. કેન્દ્રમાં જો ફરી મોદી સરકાર આવે તો સૌરાષ્ટ્રમાંથી કોને મંત્રી પદ મળશે ? તેની અનુમાનો આધારિત ચર્ચા શરૂ થઇ છે.
કેન્દ્રમાં મંત્રી પદ મેળવવા માટે ઉમેદવારી પોતાની જીત અને પોતાના પક્ષની બહુમતી હોય તે પ્રાથમિક લાયકાત છે. ઉપરાંત જ્ઞાતિ, ભૂગોળ, સાંસદની ક્ષમતા વગેરે બાબતો મંત્રી પદ માટે ધ્યાને લેવાતી હોય છે. હાલ સૌરાષ્ટ્રમાંથી પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેબીનેટ મંત્રી તથા ડો. મહેન્દ્ર મુંજપરા રાજ્ય કક્ષાના મંત્રી છે. રૂપાલા - માંડવિયાની જીત બન્નેની યથાવત રાખી શકે છે. ડો. મુંજપરા ચૂંટણી લડયા નથી. ફરી એન.ડી.એ. સરકાર આવે તો સૌરાષ્ટ્રમાંથી જામનગરના પૂનમબેન માંડમનું નામ મંત્રી પદ માટે મોખરે ગણાય છે. કોળી સમાજને પ્રતિનિધિત્વ, મહિલા તેમજ સૌરાષ્ટ્રનું સમીકરણ જોતા ભાવનગરના નીમુબેન બાંભણિયા માટે મંત્રી પદના ઉજ્જવળ સંજોગો છે. વિકલ્પે ત્રીજી વખત ચૂંટણી લડેલા જૂનાગઢના રાજેષ ચૂડાસમાનો પણ મંત્રી પદ માટે વિચાર થઇ શકે. કચ્છના વિનોદ ચાવડા જીતે તો સિનિયર સાંસદ ગણાય. મંત્રી મંડળમાં તેમની શક્યતા નકારી શકાય નહિ.
સૌરાષ્ટ્ર સિવાઇના ગુજરાતમાંથી અમિતભાઇ શાહ અને એસ.જયશંકર મંત્રી મંડળમાં રહે તે સ્વભાવિક છે. ઉપરાંત દેવુસિંહ ચૌહાણ, રમીલાબેન બારા, હસમુખ પટેલ વગેરે માટે તક છે. ગુજરાતમાંથી હમણા જ રાજ્યસભામાં ચૂંટાયેલા રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાનું નામ પણ કેબીનેટ મંત્રી પદ માટે ગાજે છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
