News of Tuesday, 21st May 2024
અંતે સ્માર્ટ મીટરના મુદ્દે સરકાર ઝૂકી : હવે સ્માર્ટ મીટરની સાથે લગાવાશે જૂના મીટર
સ્માર્ટ મીટરને લઇને લોકોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ તા. ૨૧ : હાલમાં રાજયમાં ગરમીની સાથે સાથે સ્માર્ટ મીટરનો મુદ્દો ઉછળ્યો હતો. પરંતુ હવે સ્માર્ટ મીટરને લઈને રાજય સરકારે નમતું મેલવું પડ્યું હતું. સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ વિજમીટરની સાથે જૂના વિજમીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરને લઈને લોકોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોમાં થઈ રહેલા સતત વિરોધને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.
હાલમાં રાજયમાં વિજકંપની દ્વારા પ્રી-પ્રેઈડ સ્માર્ટ મીટરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે રાજય સરકારે આ મુદ્દાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે સ્માર્ટ મીટર ની સાથે જૂના મીટરો પ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં જે ગેરસમજ ઉભી થઈ છે તેના નિરાકરણ માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂનું વિજમીટર પણ લગાવવામાં આવશે.
ગઇકાલે રાજય સરકારે રાજયની ચારેય વીજ કંપનીના એમડી સાથે મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠક બાદ સ્માર્ટ વીજમીટરને લઈને રાજય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દાને લઈને વડોદરાના નાગરિકે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એક મહિનાનું લાઈટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા હોવાના આક્ષેપ સાથે મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.
સ્માર્ટ મીટરનો મુદ્દો હવે હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે અને વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તેમણે અરજી કરી છે કે સ્માર્ટ મીટરને ફરજિયાતપણે લાગુ કરવું ગેરકાયદેસર છે અને લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ૨૦૦૬ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
