<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

અમદાવાદ અગનગોળો :છેલ્લા સાત વર્ષના મે મહિનાની સૌથી વઘુ ગરમી:સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું

-રાજ્યમાં દિવસના મહત્તમ અને રાત્રીના લઘુત્તમ તાપમાન ચિંતાજનક રીતે વધ્યું : રાત્રિનું તાપમાન નીચુ ના આવતા દિવસનું તાપમાન ઉચેને ઉચે જઈ રહ્યું છે.

અમદાવાદ : સમગ્ર ગુજરાત હીટવેવની ઝપટમાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસથી લગાતાર ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં રાત્રીનું તાપમાન પણ વિક્રમજનક ઉચે નોંધાઈ રહ્યું છે. સાથોસાથ ભેજનું પ્રમાણ નહીંવત કહેવાય તેટલું નોંધાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 

  આજે ગરમીના પારાની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45.4 ડિગ્રીએ પહોચી ગયો છે. જે સામાન્ય તાપમાન કરતા 2.9 ડિગ્રી વધુ નોંધાયું છે.

   અમદાવાદમાં છેલ્લા સાત વર્ષના મે મહિનામાં ના નોંધાઈ હોય એટલી ગરમી આજે નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થયો છે. અમદાવાદ શહેરમાં આજનું મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું છે. તો બીજી બાજુ અમદાવાદ એરપોર્ટ ઉપર મુકવામાં આવેલ તાપમાન માપક યંત્રમાં ગરમીનો પારો 46.8 ડિગ્રીએ પહોચ્યો છે.

 

અમરેલીમાં પણ આજે તાપમાનનો પારો સામાન્ય કરતા 4.2 ડિગ્રી વધુ એટલે કે, 45 ડિગ્રીએ પહોચતા અમરેલી ગરમીમાં ઘગઘગી ઉઠ્યું છે. વડોદરા શહેરમાં પણ મહત્તમ તાપમાનનો પારો 44.2 ડિગ્રીએ પહોચ્યો છે. જે સામાન્ય કરતા 4.3 ડિગ્રી વધુ છે. ભૂજ શહેરમાં તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું છે. તો ભાવનગરમાં 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

(7:16 PM IST)