News of Friday, 24th May 2024
જૈન સાધ્વીવર્યા પ્રવર્તિની પ. પૂ. બેન મ.સા.ના ૭૫મા સંયમ વર્ષના આરંભ અવસરે ભવ્ય ઊજવણી
૨૬ મે ને રવિવારે સવારે ૮.૩૦ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘સંયમ અનુમોદના' મહાસભાઃ રાત્રે ૮ કલાકે ‘નારી તું નારાયણી' જિનભક્તિ લોકડાયરામાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને પ્રવીણ ખાચર રમઝટ બોલાવશેઃ ગીતાર્થ ગચ્છાધિપતિ પ. પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં અમદાવાદ સ્થિત શ્રી સોલારોડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ખાતે દેશ-વિદેશના ગુરુભક્તો દ્વારા પ્રેરક આયોજન

રાજકોટ,તા. ૨૪: જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા, સાધ્વીવર્યા પ્રવર્તિની પ. પૂ. વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.)ના ૭૫મા સંયમ વર્ષના આરંભ અવસરે ભવ્ય ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમના ૮૦મા જન્મ વર્ષનો આરંભ થયો છે એવા શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર, ગીતાર્થ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં અમદાવાદ સ્થિત શ્રી સોલારોડ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ખાતે દેશ-વિદેશના ગુરુભક્તો દ્વારા પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે.
૨૬ મે ને રવિવારે સવારે ૮.૩૦ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં સંયમ અનુમોદના મહાસભાનું અમદાવાદ-ભૂયંગદેવ સ્થિત બી. ડી. રાવ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૮ કલાકે અમદાવાદ-સોલારોડ સ્થિત શ્રી આદેશ્વર શ્વેતાંબર જૈન મંદિર (ચિત્રકૂટ એપાર્ટમેન્ટની આગળ, પારસનગર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડની સામેની ગલીમાં) ખાતે નારી તું નારાયણી જિનભક્તિ લોકડાયરોમાં ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને પ્રવીણ ખાચર રમઝટ બોલાવશે.
કરૂણા-વાત્સલ્યમૂર્તિ પ. પૂ. બેન મ.સા.
માતા શાંતાબેન અને પિતા રતિલાલનું જગવિખ્યાત સંતાન એટલે વસુમતી રતિલાલ ઝવેરી. પૂ. બેન મ.સા. તરીકે આગવી ઓળખ ધરાવતાં પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા.નો જન્મ ૧૯૩૮માં અમદાવાદ મુકામે થયો હતો. નિવાસસ્થાન મુંબઈ અને મૂળ વતન ધોલેરા. મુંબઈની જાણીતી શકુંતલા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન દેશદાઝની ભાવના અને ગાંધી-વિચારોથી પ્રેરિત થઈને તેઓએ બાળકોની વાનરસેનાની સ્થાપના પણ કરી હતી.નાનપણથી જ જૈન સંસ્કારો વચ્ચે ઉછેર. માત્ર ૧૧ વર્ષની વયે, દીક્ષા ગ્રહણ કરતાં પોતાનાં ૧૩ વર્ષીય મોટા બહેન (પૂ.સા. રત્નચૂલાશ્રીજી મ.સા.) સાથે, કોઈપણ વિશેષ ધાર્મિક ભૂમિકા વગર પોતે પણ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. એ વખતે એવી એક લહેર પણ ઊઠી હતી કે આવી બે નાની દિકરીઓની દીક્ષા કોઈપણ રીતે રોકવામાં આવે. પણ નાની વયની આ બન્ને બહેનોએ જીવનભર માટે સંયમનાં ૧૭ ભેદોનાં પાલન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યોં. તે સમયે પૂનામાં બિરાજમાન જૈનાચાર્ય કવિકુલકિરીટ પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પૂ. મુનિ કાંતિવિજયજી મ.સા. પાસેથી સિધ્ધાચલજીના આદેશ્વરદાદાના ધ્વજારોહણ દિને પાલીતાણા સ્થિત સાહિત્ય મંદિરની નાની ઓરડીમાં માત્ર સાત જ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અતિ સાદાઈથી દીક્ષા ગ્રહણ કરી હતી.
દીક્ષાના પહેલા દિવસથી તેઓની અદભુત અને પ્રતિભાશાળી આભા ચારેકોર ફેલાઈ. ૮૬ વર્ષની ઉંમરે, આજે પણ, તેઓ વિશ્વભરમાં સેંકડો અનુયાયીઓમાં ત્યાગ, વૈરાગ્ય, કરૂણા, પરોપકાર, શાસનસેવા અને દેશસેવાની ભાવનાનાં સતત બીજ વાવે છે. લોકોનાં મનને સમજવાની તેઓમાં અનન્ય અને આગવી શક્તિ છે. માતા-પિતાથી પણ વિશેષ સંરક્ષણ તેઓ સહુનું કરે છે. જિનભક્તિ, વીતરાગી મસ્તી, ફકીરી જેવું જીવન એમની વિશેષતા છે. ગુરુજનોની કૃપા અને માતા પદ્માની સાધનાથી તેઓ મહાપુણ્યનાં સ્વામી બન્યા છે. છતાંય વિનમ્રતાનાં ઉચ્ચ શિખરે તેઓ બિરાજમાન છે. લગભગ સાત દાયકાનાં સંયમી-જીવનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવાં વિવિધ રાજયોમાં વ્યાપક વિહાર કર્યો છે. અનેક ભાષાઓનાં જ્ઞાતા, પ્રખર વક્તા અને કુશળ આયોજક છે. નવી પેઢીને પ્રેરણાદાયી અનેક પુસ્તકો-ગ્રંથો પણ તેમણે લખ્યાં છે. જિનશાસનનાં મહાન અને અતિ મહત્વનાં વિવિધ નવ્ય કાર્યોની પરંપરાનો તેઓ આરંભ કર્યો છે. અનેક પ્રાચીન તીર્થનાં જીર્ણોધ્ધાર, નવીન તીર્થની સ્થાપના, ઉપાશ્રય - ધર્મશાળા - ભોજનશાળા આદિ ધાર્મિક સંકુલો તેમજ શાળા - પ્રાર્થના મંદિર - સાધાર્મિક આવાસો -વૃધ્ધાશ્રમ - પુસ્તકાલય આદિ સામાજિક સંકુલો માટે પણ તેમની હરહંમેશ પ્રેરણા રહી છે. ગુરુદેવ પૂ. રાજયશસૂરીશ્વરજી મ.સા.ના નાદને વિશ્વભરમાં ગુંજિત કરવામાં તેઓ સદાય કર્તવ્ય-શીલા બનીને રહ્યાં છે.
:આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
