<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ધો-૧૨ સાયન્‍સમાં પાસ ૮૦૦૦ વિદ્યાર્થી પરિણામ સુધારવા ફરી પરીક્ષા આપશે

શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પૂરક પરીક્ષામાં ૩૪ હજાર કરતા વધુ વિદ્યાર્થીનું રજિસ્‍ટ્રેશન : નાપાસ ૨૬ હજાર કરતા વધુ વિદ્યાર્થી ઉપરાંત પાસ ૮ હજાર વિદ્યાર્થી નોંધાયા

અમદાવાદ,તા. ૨૪: ધોરણ-૧૨ સાયન્‍સમાં પાસ થયેલા ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માટે ફરી પરીક્ષા આપશે. શિક્ષણ બોર્ડ દ્વારા પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લેવાયો હતો, ધોરણ-૧૨ સાયન્‍સમાં ૮ હજાર જેટલા પાસ થયેલા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપવા માટે રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. જયારે નાપાસ થયેલા અને ગેરહાજર રહેલા હોય તેવા પણ ૨૬ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પૂરક પરીક્ષા આપશે. આમ, ધોરણ-૧૨ સાયન્‍સની ૨૪ જૂનના રોજથી શરૂ થનારી પૂરક પરીક્ષા માટે રાજયના ૩૪ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૪માં ધોરણ-૧૨ સાયન્‍સની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ ૯ મેના રોજ જાહેર કરાયું હતું. આ વખતે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્‍સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયા હોય અથવા તો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હોય તે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેવો નિર્ણય લીધો હતો. અત્‍યાર સુધી સાયન્‍સમાં ૩ વિષયમાં જ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી, પરંતુ આ વખતથી ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા હોય અથવા તો ગેરહાજર હોય તે વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે.

આ ઉપરાંત અગાઉના નિયમ અનુસાર ધોરણ-૧૨ સાયન્‍સમાં પાસ થયેલા વિદ્યાર્થી પોતાનું પરિણામ સુધારવા માગતા હોય તો તેમણે બોર્ડ સમક્ષ પોતાની માર્કશીટ સરેન્‍ડર કરવાની રહેતી હતી અને ત્‍યારબાદ તેઓ પુનઃ પરીક્ષામાં ઉપસ્‍થિત રહી શકતા હતા. જોકે, હવે નિયમમાં ફેરફાર કરી પાસ થયેલા વિદ્યાર્થી પણ પોતાનું પરિણામ સુધારવા માગતા હોય તો પૂરક પરીક્ષા આપી શકે છે અને માર્ચમાં લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષા પૈકી જેમાં વધુ ગુણ હોય તે ધ્‍યાને લેવાશે તેવું નક્કી કરવામાં આવતા આ વખતે પૂરક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેનાર છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્‍સની પૂરક પરીક્ષા ૨૪ જૂનથી લેવાનું નક્કી કર્યું છે, પરંતુ તે અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. પૂરક પરીક્ષા માટે ૧૪ મેથી ઓનલાઈન રજિસ્‍ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ૨૧ મે સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઈ હતી. જોકે, ત્‍યારબાદ ફોર્મ ભરવાની મુદતમાં એક દિવસનો વધારો કરાયો હતો અને ૨૨ મે સુધી ફોર્મ ભરી શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આમ, ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા સુધીમાં ધોરણ-૧૨ સાયન્‍સના ૩૪૮૨૭ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હોવાનું જાણવા મળે છે.

ધોરણ-૧૨ સાયન્‍સની પૂરક પરીક્ષા માટે એક કે તેના કરતા વધુ વિષયમાં નાપાસ અને ગેરહાજર ૨૬૮૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, પરંતુ તેમને પરિણામ સુધારવું છે તેવા પણ ૭૯૯૯ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. આમ, પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી ૮.૭૩ ટકા વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારવા માગે છે. આ વખતે ૯૧૬૨૫ નિયમિત વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સાયન્‍સમાં પાસ થયા હતા. આમ, નવા નિયમને પગલે અનેક વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા માગતા હોવાનું સામે આવ્‍યું છે. જેથી પોતાનું પરિણામ સુધારીને ભવિષ્‍યને ઉજ્જવળ બનાવવાની તક શિક્ષણ વિભાગ આપી રહ્યું છે.

(9:59 AM IST)