<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

પિતાના મૃત્‍યુ પછી પરિણીત પુત્રી રહેમરાહે નોકરી મેળવી શકેઃ હાઇકોર્ટ

પુત્રીને નિમણૂક નહીં આપવાના દક્ષિણ ગુજરાત વીજ કં. લિ.ના આદેશનો રદ કરતો હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

અમદાવાદ,તા.૨૪: એક અત્‍યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્‍યું છે કે પિતાના મૃત્‍યુ બાદ પરિણીત પુત્રી પણ રહેમરાહે નોકરી મેળવી શકે. અરજદાર પુત્રીના લગ્ન થઇ ગયા હોવાથી તેને રહેમરાહે નોકરી આપવાનો ઇનકાર કરવાનો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.નો આદેશ હાઇકોર્ટના જસ્‍ટિસ હેમંત પ્રચ્‍છકે રદબાતલ કર્યો છે. જસ્‍ટિસ પ્રચ્‍છકે ઠરાવ્‍યું છે કે,તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા આવા જ એક મામલામાં ચુકાદો આપ્‍યો છે અને એમાં કર્ણાટક હાઇકોર્ટના એક ચુકાદાને બહાલી આપી છે. જેમાં પણ એ જ સવાલ ઊભો થયો હતો કે પરિણીત પુત્રી રહેમરાહે નોકરીમાં નિમણૂક મેળવી શકે કે કેમ? જેનો જવાબ આપતાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે પુત્રીને પણ રહેમરાહે નિમણૂક મળી શકે. તેથી પ્રસ્‍તુત અરજી ગ્રાહ્ય રાખી કંપનીને આદેશ કરવામાં આવે છે કે બે મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અરજદારને રહેમરાહે નિમણૂક અંગેનો નિર્ણય કરવામાં આવે.તેમ નવગુજરાત સમય જણાવે છે.

પ્રસ્‍તુત કેસમાં અરજદાર જીનલબેન શાષાીએ હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરી હતી. જેમાં તેમના તરફથી એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે,વીજ કંપની દ્વારા અરજદારને નિમણૂક નહીં આપવાનો આદેશ ભૂલભરેલો, આપખુદશાહીવાળો, ગેરકાયદે અને ગેરબંધારણીય હોઇ તે રદ થવાને પાત્ર છે. અરજદાર પુત્રીના પિતાનું મૃત્‍યુ ફરજ દરમિયાન અકસ્‍માતમાં થયું હતું અને તેથી તે રહેમરાહે નોકરી મેળવવાની યોગ્‍યતા ધરાવે છે. પિતા જયારે મૃત્‍યુ પામ્‍યા ત્‍યારે પુત્રી સગીરવયની હતી અને તેથી તેણે કંપનીને વિનંતી કરી હતી કે એ જયારે પુખ્‍તવયની થશે ત્‍યારે રહેમરાહે નોકરી મેળવવા માટે અરજી કરશે. જોકે, કંપનીએ તેની અરજી માત્ર એ આધારે રદ કરી હતી કે તેણે ૧૮મી માર્ચ ૨૦૧૩ના રોજ લગ્ન કરી લીધા હતા. આ સિવાય અન્‍ય કોઇ પણ કારણ કંપની તરફથી દર્શાવાયું નહોતું. તેથી કંપનીનો નિર્ણય વિવિધ કોર્ટ દ્વારા પ્રસ્‍થાપિત કરવામાં આવેલા સિદ્ધાંતોથી વિપરીત હોઇ રદ થવાને પાત્ર છે.

અરજદાર તરફથી વિવિધ ચુકાદાને ટાંકી રજૂઆત થઈ હતી કે પ્રસ્‍તુત તમામ કેસોમાં તે કેસ જેવો જ મુદ્દો ઉપસ્‍થિત થયો હતો અને અરજદારના તરફેણમાં ચુકાદા આપતાં કાયદાની સ્‍પષ્ટતા કરવામાં આવેલી છે.

આ કેસની હકીકત એવી છે કે અરજદારના પિતા કોસંબા સબ ડિવિઝનમાં નોકરી કરતાં હતા. ૨૦૦૬માં એક અકસ્‍માતમાં તેઓ મૃત્‍યુ પામ્‍યા હતા. એ વખતે પુત્રી સગીરવયની હતી પરંતુ ત્‍યારબાદ પુખ્‍તવયે તેણે રહેમરાહે નોકરી માટે અરજી કરી હતી. જે અરજીમાં તમામ પ્રક્રિયા હાથ ધર્યા બાદ તેને તમામ સર્ટિફિકેટ્‍સ સાથે હાજર રહેવા કંપનીએ પત્રવ્‍યવહાર કર્યો હતો. જોકે, આ પહેલાં જ તેણે લગ્ન કરી લીધા હતા અને પત્રવ્‍યવહાર જે સરનામે થયો ત્‍યાં તે રહેતી નહોતી. અલબત્ત, આ અંગેની જાણ થતાં તે હાજર થઇ ગઇ હતી પરંતુ તેને રહેમરાહે નોકરી આપવાનો કંપનીએ ઇનકાર કરી દેતાં તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્‍યા હતા.

(9:59 AM IST)