News of Friday, 24th May 2024
સુરતમાં નકલી નોટનો વધુ એક આરોપી નાશી છૂટે તે પહેલા વિશેષ ઓપરેશનમાં ઝડપાયો
ગુજરાતને આર્થિક રીતે તોડવાના પ્રોક્ષી યુધ્ધની સીપી અનુપમસિંહ ગેહલોતની શંકા આધારે પીસીબી - એસઓજી મૂળ સુધી પહોંચવા ધમધમાટ

રાજકોટ તા. ૨૪ : લોકલ ન્યૂઝ ચેનલ અને સાપ્તાહિક અખબારની આડમાં નકલી ચલણી નોટોનું કારખાનું ધમધમી રહ્યાની ચોક્કસ બાતમી આધારે કરાયેલ કાર્યવાહી અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ટોચના અધિકારીઓની બેઠક યોજી અને તેમાં પીસીબી પીઆઇ આર.એસ સૂવેરાં અને એસઓજી પીઆઇ અશોક ચૌધરીને હાજર રાખી ગુજરાતની આર્થિક રાજધાની સૂરતની કરોડ રજ્જુ ભાંગી નાખવાનાં કાવતરામાં ઊંડા ઉતરી કેટલીક ચોક્કસ ટીપ આપેલ જે ખૂબ ઉપયોગી થવા સાથે આ મામલામાં વિશેષ એક આરોપી ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનાં માર્ગદર્શન હેઠળ ઝડપી લીધાનું ટીમના સુકાની એવા ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
ઉપરોક્ત સુચના મુજબ પીઆઇ આર.એસ.સુવેરા પી.સી.બી. તથા એસ.ઓ.જી., પીઆઇ એ.પી.ચૌધરી સા.નાઓએ આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા પીએસઆઇ એ.પી.જેબલીયાનાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.,/પી.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ. જે ટીમો દ્વારા નાસતા ફરતા આરોપીઓ બાબતે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહેલ હતા. તે દરમ્યાન એસ.ઓ.જી,ના હેડ કોન્સ. જગશીભાઈ શાંતીભાઈ, પો.કો. સિકંદર બિસ્મિલ્લા તથા પો.કોન્સ. અસ્લમ ઇદ્રિશ નાઓને સયુંક્ત બાતમી મળેલ કે, આ ગુનામાં નાસતો ફરતો આરોપી સલાબતપુરા ઉમરવાડા ગુજરાતી સ્કુલ પાસે ફરી રહેલ છે જેથી ઉપરોક્ત ટીમના માણસોએ બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી આરોપી સાદીકઅલી ઉર્ફે બટાકા અબ્બાસઅલી શાહપોર (પઠાણ) ઉ.વ.૩૦ ધંધો.ગાડી લે-વેચનો રહે. ઘર નં. ૧૮૦, ગ્રાઉન્ડ ફલોર લોકેસ્ટ કોલોની ગુજરાતી સ્કુલ પાસે ઉમરવાડા સલાબતપુરા સુરત તથા ઘર નંબર- ૧૩૨, ઇસ્લામપુરા સાંઈ મેડીકલની ગલીમાં માનદરવાજા સલાબતપુરા સુરતવાળાને દબોચી લેવામાં સફળતા મળેલ છે.
મજકુર આરોપીની પુછપરછમાં તેણે જણાવેલ કે, આ ગુનામાં અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી ફિરોજ સુપડુ શાહ સાથે મુલાકાત થયેલ અને પોતે પૈસા કમાવવાની લાલચે તેની પાસેથી રૂ., ૨૦૦ ના દરની રૂ., ૨,૯૧,૦૦૦ની બનાવટી ચલણી નોટ લીધેલ હતી. જે નોટ તેણે તેના ઘરે રાખી મુકેલ અને તે બજારમાં વટાવવાનો પ્રયાસ કરતો હતો તે દરમ્યાન ફીરોજ શાહની ઓફીસમાં પોલીસે રેડ કરી તેને બનાવટી ચલણી નોટો સાથે પકડી લીધેલ હતો અને તેને પોલીસ પકડવા આવશે તે બીકે તે સુરતથી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ અને તેણે ફીરોજ શાહ પાસેથી લીધેલ બનાવટી ચલણી નોટો તેના મકાનમાં સંતાડી રાખેલ હોય જેથી આરોપીને સાથે રાખી ઘર નં. ૧૮૦, ગ્રાઉન્ડ ફલોર લોકેસ્ટ કોલોની ગુજરાતી સ્કુલ પાસે ઉમરવાડા સલાબતપુરા સુરતખાતે રેડ કરી મકાનમાં સંતાડી રાખેલ રૂા.૨૦૦ ના દરની વધુ રૂા. ૨,૯૦,૮૦૦ની બનાવટી ચલણી નોટો કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, આ ગુનામાં અત્યાર સુધી ચાર આરોપીને ઝડપી તેમની પાસેથી કુલ્લે રૂા.૧૨,૨૬,૯૦૦ની કિંમતની બનાવટી ચલણી નોટો કબ્જે કરી આવી બનાવટી ભારતીય ચલણી નોટો માર્કેટમાં ફરે તે પહેલા તેને નિષ્ફળ બનાવવામાં સુરત શહેર પોલીસને સફળતા મળેલ છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
