<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

અમદાવાદથી ઝડપાયેલા ચાર આતંકીનું અંડરવર્લ્ડ કનેક્શન ખુલ્યું :તપાસમાં મોટો ખુલાસો : શ્રીલંકન શખ્સની અટકાયત

પકડાયેલા ચાર આતંકીઓ પૈકી એક આતંકીના પિતા અંડરવર્લ્ડ ડોન છે અને એક જજની હત્યા પણ કરી ચુક્યા છે.

અમદાવાદમાંથી ઝડપાયેલા ચાર ISISના આતંકીઓની તપાસમાં રોજ ચોંકવનારા ખૂલાસા થઈ રહ્યા છે અને રોજ નવા કનેક્શન સામે આવી રહ્યા છે. આતંકીઓના કનેક્શન મામલે વધુ એક શ્રીલંકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે. આ ચાર આતંકીઓના પરિવાર મામલે પણ ચોંકાવનારો ખૂલાસો થયો છે. જેમા આતંકી મોહમ્મદ નોફરાના પિતા અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે. 

  વર્ષ 2004માં આતંકીના પિતા નિયાઝ નોફરાને શ્રીલંકા હાઈકોર્ટના એક જજની હત્યા કરી હોવાનુ પણ સામે આવ્યુ છે. જે બાદ નિયાઝ નોફરાનને જન્મટીપની સજા ફટકારવામાં આવી હતી. 2017માં શ્રીલંકન પોલીસે જેમ એન્ડ જ્વેલરી એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

   શ્રીલંકા ટેરરીઝમ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટે 44 વર્ષિય એક શ્રીલંકન ઈસમની અટકાયત કરી છે. આ ઈસમે આ ચારેય આતંકીઓને અમદાવાદની ફ્લાઈટ બુક કરવામાં મદદ કરી હતી. કોલંબો અને અન્ય સ્થળો પર કેટલાક શંકાસ્પદોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આતંકવાદીઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ અંગે પણ તપાસ ચાલુ છે

   આ ચારેય આતંકીઓના ભાવિ આયોજનો શું હતા, તે અંગે ગુજરાત ATS દ્વારા ચારેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ NIA, સેન્ટ્રલ IB અને રો દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ હવે દેશની અગ્રણી સુરક્ષા એજન્સીઓએ શ્રીલંકાની સુરક્ષા એજન્સીને સંકલનમાં રહીને આ સમગ્ર મામલે વધુ આગળ તપાસ હાથ ધરી છે. 

  સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર શ્રીલંકન ટેરરિઝમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરાઈ છે. આ વ્યક્તિએ આ ચારેય આતંકવાદીઓને ભારત આવવા માટે તેમજ અમદાવાદની ફ્લાઈટનું બુકિંગ કરી આપ્યુ હતુ. આ સાથે જ અન્ય કેટલીક વ્યક્તિઓને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવી છે

(7:01 PM IST)