<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ સલામત નથી

સાબરમતી જેલ ફરી એક વાર વિવાદોના ઘેરામાં:સાબરમતી જેલમાં સજા ભોગવતા એક ગુનેગારે કરી બીજા કેદીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે

અમદાવાદ, તા.૨૪

અમદાવાદની સૌથી જૂની અને જાણીતી સાબરમતી જેલમાંથી એક ચોંકાવનારા સમાચાર આવતા સમગ્ર જેલ તંત્ર અને પોલીસ ડિપાર્ટમેંટ હચમચી ગયુ છે. આ ઘટનાને પગલે સાબરમતી જેલ ફરી એક વાર વિવાદો ના ઘેરામાં આવી ગઈ છે.

અત્યાર સુધી આ જેલમાંથી મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ પકડાતી હતી, પરંતુ તાજેતરમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક ભયંકર ઘટના બની  હતી. જેમાં  જેલમાં એક ગુનેગારે બીજા ગુનેગારની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે .

જેલમાં સજા ભોગવતા એક ગુનેગારે કરી બીજા કેદીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. મોટી વાત તો એ છે કે આ હત્યા કરનાર આરોપી પૂર્વ આર્મી મેન છે અને અગાઉ તેણે કરેલી એક હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા ભોગવતો હતો. સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કર યાર્ડ નંબર ૪ એમાં  એક કેદીએ અન્ય કેદીની હત્યા કરી છે. આ મામલે રાણીપ પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે. ભારતીય સેનામાં મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતે સીપાઈ તરીકે ફરજ બજાવનાર ૪૦ વર્ષીય ભરત પ્રજાપતિ નામનાં કેદીએ કેશાભાઈ પટેલ નામનાં ૭૧ વર્ષીય કેદી સુઈ રહ્યો હતો ત્યારે તેને માથામાં ઈંટ મારી તેને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. જોકે બુમાબુમ થતા બેરેકના અન્ય કેદીઓ જાગી જતા જેલતંત્રને જાણ થઈ હતી.

માથામાં ઈંટ વાગતા કેશાભાઈ પટેલને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. જેને લઈને ઈન્ચાર્જ જેલર પ્રકાશસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ભરત પ્રજાપતિ મૂળ ગાંધીનગરનો માણસાનો રહેવાસી છે અને થોડા વર્ષો પહેલા જ્યારે તે આર્મીમાં ફરજ બજાવતો હતો, ત્યારે એક હત્યા કરી હતી, જેમાં આર્મી કોર્ટ દ્વારા વર્ષ ૬ જુલાઈ ૨૦૨૩માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ હતો. છેલ્લાં ૧૦ મહિનાથી ભરત પ્રજાપતિ જેલમાં કેદ હતા.

જે દરમિયાન ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ તેણે અન્ય કેદીને માથામાં પથ્થર મારી ઈજાઓ પહોંચાડી હતી. જોકે બાદમાં તેની બેરેક બદલી દેવામાં આવી હતી. જોકે આ ઘટના પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.આ ઘટનામાં મોતને ભેટનાર કેશાભાઈ પટેલ સામે અગાઉ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો જેમાં તેને ૫ વર્ષની કેદની સજા થઈ હતી. આ ઘટનાને લઈને જેલ વિભાગે સવારના સીસીટીવી તપાસ કરી ગુનાના કામે કબ્જે કર્યા છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ ૩૦૨, ૩૦૩ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(7:28 PM IST)